દૂધ દોહનમાં મિલ્કીંગ મશીનનો ફાળો

ભારત એક ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂતો પાસે ઓછી જમીન હોવાથી તેઓ પશુપાલન-ગોપાલન એ પૂરક વ્યવસાય તરીકે અપનાવે છે. પરંતુ હાલમાં પિયતની સગવડ વધતાં ઘાસચારા ઉત્પાદન વધ્યું સાથે સાથે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ થવાથી હૂંડિયામણ કમાવા લાગ્યા તેથી હવે ગોપાલન એ સ્વતંત્ર વ્યવસાય-ધંધાનો દરજ્જો પામેલ છે.

ગોપાલનના સ્વતંત્ર વ્યવસાયમાં ખર્ચ અંગે વાત કરીએ તો ક્રમશ:

  • ખોરાકી ખર્ચ (૬૫-૭૫%)
  • મજૂરી ખર્ચ (૧૨-૧૬%)
  • ઘસારા ખર્ચ (૬-૧૦%)
  • દવા-વીમો વગેરે (૨-૩.૫%) નો સમાવેશ થાય છે.

આ લેખમાં મજૂરી ખર્ચ તથા મિલ્કીંગ મશીન વિશે ચર્ચા કરીશું.

ગૌશાળામાં બે પ્રકારના મજૂરોની જરૂર રહે છે.

  • કુશળ મજૂરો: દૂધ દોહનાર, ચાફકટર ચલાવનાર, વાછરડી રક્ષક, વિયાણ અનુચર વગેરે.
  • બિનકુશળ મજૂરો: ઘાસ કાપવા, નીરણ કરનાર, વાસીદું-સફાઈ કરનાર, વગેરે.

આ સર્વે મજૂરોમાં દૂધ દોહનારનું એક આગવું, કુશળતાપૂર્વકનું અને અત્યંત જવાબદારીભર્યું કાર્ય હોય છે, કારણકે દૂધ દોહનનું કાર્ય નિર્ધારિત સમયમાં આંચળ કે બાવલાને નુકસાન કર્યા વગર ગાય-ભેંસ સાથે સંયોગિક-ભાવનાત્મક સંબંધ રાખી પૂર્ણ કરવાનું હોય છે. નહીં તો ગાય-ભેંસ કૂદી જાય, દૂધ બાવલામાં ચઢી જાય અને અડાણને નુકસાન થાય જેથી ભવિષ્યમાં દૂધ બનવાની પ્રક્રિયા મંદ પડે કે બંધ થઈ જાય. સાથે-સાથે ખોટી રીતે દૂધ દોહન કરવાથી આંચળને તથા બાવલાને નુકસાન થાય છે. વધુમાં વધુ દોહનારને ક્ષય થયો હોય તો ગાય-ભેંસ ને પણ થવાની શક્યતા રહે છે. વર્ષોથી કુશળ દૂધ દોહનાર મળી રહેતા હતા અને તેઓ પુરી લગનથી જાનવરો સાથે ભાવનાત્મક સંબંધોથી જોડાઈને કાર્ય કરતા હતા. હવે સમય સાથે સાથે માણસો પણ બદલાયેલા છે. આથી મિલ્કીંગ મશીન ભારત દેશમાં પ્રચલિત થતું જાય છે અને તબેલા ઉપર મિલ્કીંગ મશીન એક અનિવાર્ય યંત્ર બનેલ છે.

 મિલ્કીંગ મશીનના ફાયદા

(૧) કોઈપણ વ્યક્તિ મિલ્કીંગ મશીનથી ગાય અથવા ભેંસનું દોહન કરી શકે છે. એકી સાથે ૨-૬ ગાયો-ભેંસો દોહી શકાય. અડાણ ધોયા પછી થોડું હાથથી મસાજ કરી મિલ્કિંગ મશીનથી દોહવાથી ૨૦ થી ૪૦ ટકા દોહન સમય ઓછો જોઈએ છે.અને દૂધ ઉત્પાદન ૮-૧૩ ટકા વધે છે.

(૨) મજૂરોની કનડગત કે વગર રજાએ ગેરહાજર રહે તો પણ ખેડૂતોને દૂધ દોહનમાં કોઈ પણ મુશ્કેલી પડતી નથી થોડા સમયમાં વધુ ગાયો દોહી શકાય.

(૩) આંચળ કે અડાણ ને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી કે દૂધમાં લોહી આવતું નથી. હાથથી ખોટી રીતે દૂધ દોહવાથી આંચળ અને અડાણ બંનેને નુકસાન થાય છે.

(૪) સંપૂર્ણ દૂધ દોહન થવાથી દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે તથા પાનો ન મૂકવો એવી સમસ્યા સર્જાતી નથી અને દૂધ બનવાની પ્રક્રિયામાં વધારો થાય છે.

(૫) દૂધ દોહનાર દ્વારા જાનવરોમાં ક્ષય ફેલાય છે. તે અટકાવી શકાય છે. સ્વચ્છ દૂધ ઉત્પાદન ઓછા માઇક્રોબિયલ કાઉન્ટવાળું મેળવી શકાય છે તથા આ દૂધ ઓછું એસિડિક હોય છે, જેથી લાંબો સમય રાખી શકાય અને તેમાંથી બનાવટો પણ સારી બનાવી શકાય.

(૬) સબ ક્લિનિક મસ્ટાઈટીસ કરનાર સ્ટેફાઈલોકોકસનુ પ્રમાણ:

  • હાથથી દોહન ૨૬-૫૮ ટકા
  • મિલ્કિગ મશીનથી દોહન  ૨૩-૪૦ ટકા

આમ મશીન મિલ્કીંગથી ફાયદો થાય છે. આ ઉપરાંત દોહનાર દ્વારા અડાણના એક આંચળમાંથી બીજા આંચળમાં ફેલાઇ શકે છે જ્યારે મશીન મિલ્કિંગમાં એકીસાથે ચાર આંચળ દોહવાતા હોવાથી ગાયના બાવલામાં એક ભાગમાંથી બીજા ભાગમાં આઉંનો સોજો ફેલાતો નથી.

ગેરલાભ

  • વિદ્યુત પુરવઠા પર આધાર રાખવો પડે છે.
  • મશીન સારી રીતે કામ ન કરે તો ચેપ લાગી રોગ થવાની સંભાવના વધી જાય છે.

મિલ્કીંગ મશીન ખરીદવું હા કે ના !

દૈનિક કુલ દૂધ ઉત્પાદન ૫૦૦ થી ૬૦૦ લિટર દૂધ અથવા ૨૫-૩૫ સારી દુધાળ ગાય-ભેંસો અથવા દૂધ દોહનારનો ત્રાસ હોય-વારંવાર બદલવા પડતા હોય તો ૧૫ સારી ગાયો-ભેંસો માટે પણ મિલ્કીંગ મશીન વિચારી શકાય. આ ઉપરાંત દૂધ ઉત્પાદનમાં દર ૧૦૦ લિટરે ૫ થી ૧૦ લિટર જેટલો વધારો તેમજ ઓછા બાવલાના રોગ અને સ્વચ્છ દૂધ ઉત્પાદન જોતાં ખર્ચ આવકની ગણતરી કરી વિચારવું. મિલ્કીંગ મશીન એ સારા પોસાય તેવા દૂધ દોહનારની બરાબર જ છે.

મિલ્કીંગ મશીનનો વૈજ્ઞાનિક સિદ્ધાંત અને મુખ્ય ભાગો

નકારાત્મક દબાણ તથા વાતાવરણનું દબાણ વારાફરતી મશીનના આચળની રબર નળી અને ધાતુની નળી વચ્ચેની જગ્યામાં દાખલ કરવામાં આવે છે. જ્યારે વાતાવરણની હવા દાખલ થાય છે ત્યારે તેના લીધે રબરની નળી સંકોચાવાથી આંચળ પર દબાણ આવે છે. જ્યારે વાતાવરણની હવાએ જગ્યામાંથી ખાલી થાય છે ત્યારે રબર નળી, ધાતુ નળી તરફ ખુલે છે. તે વખતે દૂધનો પ્રવાહ મહત્તમ હોય છે.

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા- ભાગ: ૩

લેપ્ટોસ્પાઇરોસિસ રોગ


ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત