વિયાણ બાદ સંવર્ધન અને વસુકાવવું માદા માટે અત્યંત જરૂરી
આપણાં દેશનું અને રાજયોનું દૂધ ઉત્પાદન પણ વધતું જાય છે, પરંતુ એકમ દીઠ દૂધ ઉત્પાદન વધવું જોઈએ તે હજુ પણ આપણે વધારી શક્યા નથી. જેનું મુખ્ય કારણ આપણાં પશુપાલકો જે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સંપૂર્ણપણે સ્વીકાર અમુક કારણોસર કરી શક્યા નથી તે છે. નાના, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો માટે પશુપાલનનો વ્યવસાય પૂરક રોજી આપે છે અને તેમના જીવનસ્તરમાં સુધારો કરે છે.
આપણાં પશુઓમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આપણે પસંદગીના ધોરણે સંવર્ધન તથા શંકર સંવર્ધન કૃત્રિમ બીજદાન દ્વારા ચાલુ કરેલ છે. દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદનની ક્રિયાને કારણે શરીર ઉપર એક જાતનો ભાર રહે છે. આને લીધે પ્રતિકૂળતા પેદા થાય છે અને તેની માઠી અસર ઉત્પાદન, સંવર્ધન અને વજન ઉપર થાય છે.
વિયાણ બાદ સંવર્ધન
પશુ ઉત્પાદન સીધી રીતે પ્રજનન સાથે સંકળાયેલ છે. વિયાણ બાદ ગાય-ભેંસ એકાદ માસ પછી ગરમીમાં આવે છે. પરંતુ વિયાણ બાદ તેમના ગર્ભાશયનું સંકોચન અને અસલ સ્થિતિમાં આવતા લગભગ ૨ માસ જેટલો સમય લાગે છે. જેથી વિયાણ બાદ ૨ થી ૩ માસની અંદર વેતરે આવેલ પશુને ફેળવવું જોઈએ.
વિયાણ બાદ ૩ માસે પશુ ગાભણ થાય અને ૩૦૦ દિવસ દૂધ આપે તેમ ગણતરી કરીએ તો પશુ જ્યારે દૂધ આપતું બંધ થાય ત્યારે ૭ માસનું ગાભણ હોય. જેથી વસૂકયા બાદ બે થી ત્રણ માસે ફરીથી વિયાણ થાય આ માટે વિયાણ બાદ પશુને પુરતા પોષક તત્વોવાળો ખોરાક આપવો જરૂરી છે. જેથી વિયાણ બાદ પશુ તેનું વજન ઘટતું અટકાવી શકે અને નિયમિત ગરમીમાં આવે અને ફરીથી નિયમિત સમયે ગાભણ થાય.
સંવર્ધન માટે કુદરતી સેવા અને જ્યાં સગવડ હોય ત્યાં કૃત્રિમ બીજદાન અતિ ઉત્તમ છે. વિયાણ બાદ ત્રણ માસ સુધી જો પશુ ગરમીમાં પણ આવે તો પશુચિકિત્સકની સલાહ લેવી જોઈએ, તેમજ પશુને ફેળવ્યા બાદ ત્રણ માસે ગર્ભ પરીક્ષણ પણ કરાવવું જોઈએ.
વસુકાવવું કેમ જરૂરી?
પશુના વિયાણ બાદ સતત ૧૦ માસ જેટલા સમય દૂધ ઉત્પાદનને લીધે પશુનાં શરીરનાં ઘણાં પોષકતત્વો ઓછા થાય છે અને વજન ઘટે છે. ઉપરાંત બીજા વિયાણ બાદ દૂધ ઉત્પાદન શરૂ થાય ત્યાં સુધી આઉની પેશીઓને પણ થોડા સમારકામની જરૂરિયાત હોય છે. આ ધ્યાને લઈ બે વિયાણ વચ્ચે બે માસ જેટલો વસુકેલો સમય જરૂરી છે.
ગર્ભનો વિકાસ પણ આ સમયે જરૂરી છે. વસુકવવાની પ્રક્રિયામાં ધીમે ધીમે દૂધ દોહન ઓછું કરી શકાય છે. વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓમાં લીલોચારો અને દાણ ઘટાડીને આ ક્રિયા ઝડપી કરી શકાય છે. છેલ્લાં દોહન વખતે લાંબા સમયની અસર ધરાવતી એન્ટીબાયોટિક દવા જો આંચળમાં કે બાવલામાં આપવામાં આવે તો તેનાથી વસુકેલા સમય દરમિયાન આઉનો સોજો અને બાવલાનો રોગ એટલે કે ‘મસ્ટાઇટીસ’ અટકાવી શકાય છે.