કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિ શું છે, તેનો ઇતિહાસ અને ભારતમાં શુભારંભ
કૃત્રિમ ગર્ભધારણનો પ્રયોગ સેંકડો વર્ષોથી થતો આવ્યો છે. પરંતુ પશ્ચિમના દેશોની સાપેક્ષે હજુ પણ ભારત દેશમાં તેના વ્યાપક ઉપયોગની માત્રા ગણી ઓછી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ જનસમુદાય તો તેના લાભોથી અજાણ જ છે. કૃત્રિમ ગર્ભધારણ એટલે એવી પદ્ધતિ કે જેમાં ઉત્તમ સાંઢ વીર્યને એકત્ર કરીને તેનું યોગ્ય પરીક્ષણ કરીને તેમાં રહેલા જરૂરી શુક્રાણુઓની સંખ્યા મુજબ તેટલા પ્રમાણમાં ડોઝ બનાવી ગરમીમાં આવેલી માદા પશુના જનનાંગોમાં યોગ્ય સમયે અને સ્થાને ઉપકરણોની મદદથી વીર્ય દાખલ કરવાની કળાને કૃત્રિમ ગર્ભધારણ કહેવાય છે. સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ જયારે માદા પશુ કુદરતી રીતે ગર્ભધારણ માટે સક્ષમ ના હોય અથવા તો ખોડખાપણ હોય તેમજ નસ્લ સુધાર અને ઉચ્ચ જાતિની સંતતિની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.
કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિનો ઈતિહાસ
કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિના ઈતિહાસ પર નજર કરીએ તો વિજ્ઞાનિક સ્વરૂપે વિશ્વમાં સૌપ્રથમ તેનો ઉપયોગ ઈ.સ. ૧૯૧૭ ઇટાલીના સ્પેલેનજાની નામના વિજ્ઞાનિકે શ્વાનમાં અપનાવ્યો હતો, જેમાં તેને સફળતા પણ મળી હતી. રશિયામાં આ પદ્ધતિની શરૂઆત ઈ.સ. ૧૯૦૭ થી કરવામાં આવી હતી, પરંતુ જનમાનસમાં વિશ્વાસ ઉત્પન્ન ના થવાના કારણે ધારણા મુજબ સફળતા મળી નહોતી. ઈ.સ. ૧૯૩૮ ના અંત સુધીમાં જુદા જુદા પ્રયોગો, પરિણામો અને વિવિધ પ્રદ્શનોના ફળસ્વરૂપે રશિયાના લોકોને આ તકનીક પર ભરોસો પેદા થયો, જેને પરિણામે ૧.૨૫ લાખ ઘોડી, ૧૨ લાખ ગાયો અને મોટી સંખ્યામાં બકરીઓને આ તકનીક વડે ગર્ભધારણ કરવામાં સફળતા પ્રાપ્ત થઇ.
ડેન્માર્કમાં કૃત્રિમ ગર્ભધારણ માટેનું સૌપ્રથમ કેન્દ્ર ઈ.સ ૧૯૮૬માં શરુ કરવામાં આવ્યું. અમેરિકામાં પણ આ પદ્ધતિ ઉપર ઈ.સ. ૧૯૧૧ થી વિવિધ કાર્યો શરુ કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ સંસ્થા ઈ.સ. ૧૯૩૮માં સ્થાપિત કરવામાં આવી. હાલ કૃત્રિમ ગર્ભધારણનો પ્રયોગ વિશ્વમાં અનેક પ્રમુખ દેશો જેવા કે ડેન્માર્ક, સ્વિઝરલેન્ડ, જર્મની, સ્વીડન, ઇટલી, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, રશિયા અને ચીનમાં વ્યાપક રીતે અપનાવવામાં આવે છે.
ભારતમાં શુભારંભ
ભારતમાં આ તકનીકનો સૌપ્રથમ ઉપયોગ ડૉ. સંપતકુમારે કર્યો હતો. ઈ.સ. ૧૯૪૨માં સૌપ્રથમ ભારતીય પશુચિકિત્સા અનુસંધાન, ઈજ્જતનગર, બરેલી, ઉત્તરપ્રદેશ નામની સંસ્થા દ્વારા કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિ અપનાવવામાં આવી. જેઓમાં તેઓને સફળતા મળ્યા બાદ ઉત્તરપ્રદેશના વિવધ સ્થાનો મથુરા, લખનઉં, મેરઠ, ગાજીપુર, દેવરિયા, તેમજ ઇટાવા વગેરે સ્થળો પર કૃત્રિમ ગર્ભધારણ કેન્દ્ર ખોલવામાં આવ્યા. તેના પછી ઈ. સ. ૧૯૭૨માં મેરઠમાં ૧૯ કૃત્રિમ ગર્ભધારણ કેન્દ્ર, ૧૩૦ ઉપકેન્દ્ર તેમજ ૩ કૃત્રિમ વીર્ય સંગ્રહણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ જાગૃતતાની મોટી ઊણપના કારણે વિશ્વના અન્ય દેશોની સાપેક્ષે ભારતમાં પશુપાલકો આ તકનીકનો લાભ લેવાથી વંચિત રહી જાય છે.
આમ “કૃત્રિમ ગર્ભધારણ” વડે વાંજીયા તેમજ અન્ય પ્રજનન સબંધી સમસ્યાગ્રસ્ત માદા પશુઓમાં ગર્ભધારણ કરી પશુપાલનને એક ઉચ્ચ કોટીના વ્યવસાય તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંતતિ વગેરે જેવા ફાયદા મેળવી શકાય છે., જેને પરિણામે દેશનો કોઇપણ ખેડૂત કે પશુપાલક વાંજીયા પશુને કારણે પશુપાલન વ્યવસાયમાં નુકસાન કે સ્વસ્થ પશુને કતલખાને જતા અટકાવી શકાય.