સ્વચ્છ અને ગુણવત્તાવાળું દૂધ શા માટે જરૂરી હોય છે?
સ્વચ્છ અને ગુણવત્તાવાળું દૂધ એટલે તંદુરસ્ત, નીરોગી પશુઓ દ્વારા શુદ્ધ અને સ્વચ્છ વાતાવરણમાં દોહેલું, સામાન્ય રાસાયણિક બંધારણ તેમજ સારો સ્વાદ તથા સુગંધ ધરાવતું હોય, નરી આંખે જોઈ શકાય તેવા જીવજંતુવાળા વગેરે જેવાં અદ્રાવ્ય, ઝેરી રાસાયણિક તત્વો, ફૂગથી પેદા થયેલ વિષ તથા ભારે ધાતુઓથી મુક્ત હોય એવું દૂધ.
દૂધ ઉત્પાદન ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો દ્વારા રાખવામાં આવતા પશુઓથી થાય છે. દૂધ ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી મારફતે એકઠું કરવામાં આવે છે અને મુખ્ય ડેરી મથકે પહોંચાડવામાં આવે છે.
સામાન્ય રીતે ગાય-ભેંસના આંચળો સુધી દૂધ સૂક્ષ્મજીવાણુંમુક્ત માનવામાં આવે છે. જેવુ દૂધ આંચળમાંથી બહાર નીકળે કે તુરંત જ તેમાં સૂક્ષ્મજીવાણુંઓનો પ્રવેશ થવા લાગે છે. સૂક્ષ્મજીવાણુંઓની વૃદ્ધિ માટે દૂધ એ એક સરળ માધ્યમ છે. સૂક્ષ્મજીવાણું દૂધમાં ઝડપી વૃદ્ધિ પામે છે અને થોડાં જ કલાકોમાં તેની ખટાશ વધારી બગાડી મૂકે છે. દૂધની ગુણવત્તા સાચવવા અસરકારક પગલાં લેવા જરૂરી છે.
સ્વચ્છ અને ગુણવત્તાવાળું દૂધ શા માટે જરૂરી હોય છે?
- સ્વચ્છ દૂધ જલ્દી બગડતું નથી.
- સ્વચ્છ અને ગુણવત્તાવાળું દૂધ આરોગ્યને હાનિ પહોંચાડતું નથી.
- તેમાંથી બનાવેલ દૂધની પેદાશો વધુ સમય સુધી સારી રહે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળી હોય છે.
- આવું દૂધ ઊંચી કિમંત અપાવી શકે છે.
- દૂધ અને દૂધની પેદાશો માટેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો જાળવવાનું સરળ બની રહે છે.
- દૂધની પેદાશોની નિકાસ કરવાનું સરળ બને છે.