મોટા દૂધ ઉત્પાદન પશુપાલકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ગામડામાં દૈનિક ૧૦૦ લિટરથી વધુ દૂધ ગામની મંડળીમાં આપનારા અનેક ખેડૂત અને પશુપાલકો હોય છે. આ પશુનું દૂધ તાજું, સ્વચ્છ અને રોગોના જીવાણું વિનાનું પેદા કરીએ તો તેનાથી આપણા ગામની ડેરીની અને દેશની આબરૂ વધી શકે તેમજ દુધના ઊંચા ભાવ મેળવી શકાય છે. તેમ છતાં મોટા દૂધ ઉત્પાદન પશુપાલકો માટે ઉપયોગી કેટલીક બાબતો આ મુંજબ છે:

  • આપણા દુધાળ પશુના રહેઠાણની જગ્યા સ્વચ્છ અને કોરી-સુકી રાખીએ.
  • પશુને બેસવાની જગ્યા પાકી અને કડક હોય તો દિવસમાં અમુક કલાક ખુલ્લી જમીનમાં રહે તે વધારે સારું અથવા નીચે પ્લાસ્ટિકની પોચી ગાદી રાખવી, જેથી બાવલાને તકલીફ થતી અટકે છે.
  • પશુને દિવસે અને રાત્રે બાંધવા-બેસવાની જગ્યા અલગ અલગ રાખી શકાય તો થોડી કસરત મળે અને સુકી જગ્યામાં બેસવા મળે, જેથી આંચળ અને બાવલાની બીમારી થતી અટકે.

Related image

  • દૂધ દોહનાર વ્યક્તિ સાફ-સુથરી, નિરવ્યસની, દોહતા પહેલા હાથ જંતુનાશક દ્રાવણ થી અથવા સાબુ થી ઘસીને સાફ કર્યા પછી જ દોહન કરે તેની ખાસ કાળજી લેવી.
  • દોહન પહેલા પશુનું બાવલું અને આંચળ ઘસીને સાફ કરવા, જેથી સ્વચ્છ દૂધ મળે.
  • દોહન કરતાં પહેલાં આંચળની પ્રથમ બે શેર દૂધ અલગ વાસણમાં લેવું અને જોવું કે દુધમાં કોઈ ખરાબી તો નથી ને? અને જો ખરાબી હોય તો પશુની સારવાર સમયસર કરાવી આંચળ બગડતો અટકાવી શકાય.
  • આજે મજુર પોષણક્ષમ મજુરી આપવા છતાં મળતા નથી ત્યારે ૧૦ થી વધુ પશુનું દોહન કરવા યાંત્રિક મશીન(મીલ્કીંગ મશીન) નો ઉપયોગ કરવો હિતાવહ છે. તેનાથી સ્વચ્છ દૂધ મળે છે અને ઓછા ખર્ચે ઝડપી દોહન થઇ શકે છે.
  • દોહન પછી ઘાસ-દાણ ખાધા બાદ ખુલ્લી જગ્યા હોય તો પશુને ખુલ્લા વાડામાં રાખવા. વાડામાં મોટા બે-ચાર વૃક્ષો હોય તો છાયડાંનો લાભ મળે.
  • ટંકનું ૬ થી ૧૦ લીટર દૂધ આપતી માદાને જો હાથથી દોહન કરવાનું હોય તો સામસામે બે વ્યક્તિ દોહન કરે તો વધારે સારું કારણકે પશુ પારસો ૫ થી ૭ મિનિટ સુધી મુકે છે. ધીમું દોહન કરતા પશુ દૂધ ચડાવી જાય છે, જે આપણા માટે નુકસાનકારક છે.
  • દોહન હાથથી કરતા હોય તો અંગુઠો બહાર રાખી આંચળને મુઠ્ઠીમાં પકડીને દોહન કરવું, જેનાથી આંચળને ઇજા થતી અટકે અને તેની બીમારી થતી અટકે છે.
  • દોહન પછી આંચળનું છિદ્ર ૧૦ થી ૧૫ મિનીટ સુધી ખુલ્લું અને ઢીલું હોય છે. તેથી દોહન બાદ માદાને ૧૫ મિનીટ સુધી બેસવા દેવી નહિ, જેથી આંચળના ખુલ્લા અને ઢીલા છિદ્ર દ્વારા અંદર જીવાણું જતા અટકે અને આંચળનો રોગ થતો અટકે છે.

Image result for cleaning of udder of gir cow

 

  • દોહન પછી માદા બેસી ના જાય તે માટે થોડું ખાણ-દાણ અથવા સુકું-લીલું ઘાસ ગમાણમાં ખાવા આપવું જોઈએ.
  • આઉ-આંચળની બીમારીવાળી માદાને અન્ય પશુના દોહન પછી છેલ્લે દોહન કરવું અને શિયાળામાં આંચળ ફાટે તો હળદર અને માખણનો મલમ કરી લગાવતા આંચળ પોચો બને છે, અને દોહન સમયે માદાનું કુદવાનું અટકે છે.
  • આઉનો સોજો આવતા આઉં-આંચળ કડક થાય છે, જેથી બાવલાને અડતા પશુને દુખાવો થતો હોય તો ૩° થી ૫° સે. તાપમાનવાળું ઠંડુ પાણી બાવલાને છાંટવું અથવા બરફ ઘસવો, પરંતુ ક્યારેય નવસેકું ગરમ પાણી અડાડવું નહિ. આમ કરવાથી બાવલુ કડક પત્થર જેવું બની જાય છે અને ભવિષ્યમાં દૂધ મળતું બંધ થવાની શક્યતા છે.
  • આઉ આંચળની બીમારીમાં વહેલી તકે પશુચિકિત્સકની સેવા લેવાનું ભૂલવું નહિ.
  • બધાંજ પશુને સાજા અને સારા રાખવા તાજું સ્વચ્છ પાણી, પુરતો આહાર, દર ત્રણ માસે કૃમિનાશક દવા અને રોગપ્રતિકારક રસી મુકાવવી આપણી ફરજ છે.