ગરમીની ઋતુમાં ક્ષાર અને ઊર્જાયુક્ત પશુપોષણની આવશ્યકતા
ગરમીની ઋતુમાં પશુઓના નિભાવ તેમજ દૂધ ઉત્પાદન હેતુથી વધારે પડતી ઊર્જાવાળા ખોરાકની જરૂર હોય છે. એ આવશ્કતા પૂરી કરવા માટે વધારે ઊર્જાયુક્ત ખોરાક ખવડાવવાની જરૂર હોય છે. ગરમીમાં પશુઓને વધારે રેસાયુક્ત ખોરાક ખવડાવી શકાય છે. આવો રેસાયુક્ત ખોરાક આપવાથી શરીરના તાપમાનમાં કોઈ વધારો થતો નથી અને શ્વસનદર પણ સામાન્ય રહે છે. વધારે માત્રામાં પ્રોટીનયુક્ત ખોરાક આપવાથી શરીરમાંથી ઉત્પન થતી ગરમીનું પ્રમાણ વધી જાય છે, જેની વિપરીત અસર જાનવરના પ્રજનન પર પડે છે. ગરમીની ઋતુમાં વધુ દૂધ આપતા જાનવરોને પ્રોટીનયુક્ત આહારની જરૂર પડે છે. પૂરતા પ્રમાણમાં પ્રોટીન નહીં મળવાથી ખોરાક ગ્રહણ કરવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. ગાયોમાં બાયપાસ પ્રોટીન આપવાથી દૂધ ઉત્પાદન ક્ષમતામાં તેમજ ફેટમાં વધારો જોવા મળે છે.
ઉનાળામાં ખનીજતત્વોની પશુના શરીરમાં જાળવણી
ખોરાકમાં ખનીજતત્વોનું પ્રમાણ વધારવું પણ એટલું જ મહત્વનું છે, કારણકે ગરમીમાં જાનવર ખોરાક ઓછો લે છે અને શરીરમાંથી ખનીજતત્વોના નિકાલનું પ્રમાણ વધી જાય છે. ખાસ કરીને પોટેશિયમ પરસેવા દ્વારા અને સોડીયમ પેશાબ દ્વારા વધુ નીકળે છે. આથી ગરમીની ઋતુમાં મિનરલ મિશ્રણમાં જો પોટેશિયમ અને સોડીયમ વધુ આપવામાં આવે તો દૂધ ઉત્પાદન જળવાઈ રહે છે અગર વધે પણ છે.
ઉનાળામાં પાણીની વ્યવસ્થા
ગરમીની ઋતુમાં પશુઓ માટે પાણી એક અગત્યનો ઘટક અને પોષકતત્વ છે. સ્વચ્છ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ઉનાળામાં સતત ૨૪ કલાક પાણી ઉપલબ્ધ હોવું જરૂરી છે, જે જાનવરની નજીકમાં જ ઉપલબ્ધ કરાવવું જોઈએ. પૂરતા પાણીને લીધે શરીરમાંથી ગરમીનું વહન ઝડપી થાય છે. સાથોસાથ ખોરાકનું પાચન અને અવશોષણ પણ વધે છે, જેથી પશુને ફાયદો થાય છે.