ગાય ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખો?
પશુબજારમાં ઘણી બધી ઘેરમાર્ગે દોરનારી પ્રવૃત્તિઓ થતી હોય છે. ઘણા બધા વેપારીઓ દ્વારા જાનવારના ખરાબ મુદ્દાઓ, શારીરિક ચિન્હો અને પશુની અનિચ્છનીય ટેવોને ઢાંકવાનો પ્રયત્ન જોવા મળે છે. તે જ રીતે ઘણાં કિસ્સાઓમાં વેચાણ લેનાર ગ્રાહકો પોતાનું વર્તુળ બનાવી, જે તે પશુ માટે અફવાઓ ફેલાવી નીચી કિંમતે મૂલ્યવાન જાનવર પડાવી લેવાની વૃત્તિ ધરાવતાં હોય છે. આ બધી બાબતો માટે જાગૃતિ કેળવવી જરૂરી છે.
ઉત્તમ પ્રકારની ગાયને કઈ રીતે ઓળખશો?
- ગાયની ચામડી પાતળી, સુંવાળી અને ચમકતી હોવી જોઈએ.
- ગાય સ્વભાવે શાંત અને વિનમ્ર હોવી જરૂરી છે.
- મોટું, સુવિકસિત, પોચું, ચારેય ભાગ સરખા હોય તેવું આઉ દૂધાળ ગાયનું લક્ષણ છે. દોહન પછી જે ગાયનું આઉ વધુ સંકોચન પામતું હોય તે આઉ ઉત્તમ ગણાય છે. આઉ ચાર ભાગમાં વહેચાયેલું હોય છે, જે દરેક સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આથી જ એક આંચળમાં લાગેલ ચેપ કે ખરાબી બીજા ભાગમાં પ્રસરતા નથી, તેમજ એક આંચળમાં તૈયાર થયેલ દૂધ બીજા આંચળમાંથી નીકાળી શકાતું નથી. આથી જ એક આંચળ ખરાબ થાય ત્યારે ચોથા ભાગનું દૂધ ઘટી જાય છે. ગાયનાં પેટની નીચેના ભાગમાં આઉની આગળ સર્પાકાર આકારની ઊપસેલી રકતશિરા જોવા મળે છે. તેનું કદ વધુ હોય તેમ તેની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે. લચી પડેલું કે ઝૂલતું બાવલું યોગ્ય નથી. એક પણ આંચળમાં ખરાબી હોવી ન જોઈએ.
- ખૂંધની પાછળના ભાગથી કમર સુધીનો પીઠનો ભાગ પહોળો હોવો જોઈએ.
- છાતી અથવા પેટનો ભાગ વિકસિત થયેલો હોવો જોઈએ. શરીરની અંદરના અગત્યના સુકોમળ અવયવો જેવા કે હ્રદય, ફેફાસા, પેટ વગેરેના વિકાસના કારણે દૂધાળ જાનવરની છાતી અને પેટનો ભાગ હમેશાં વિકસેલો હોય છે.
- જેથી તે દૂધ ઉત્પાદન કરવાની શક્તિમાં વધારો કરે છે.
જે ગાયમાં ખાધેલા ખોરાકનું સંપૂર્ણ દૂધમાં રૂપાંતર થાય છે, તેવી ગાયનાં શરીર પર ચરબી જોવા મળતી નથી. દૂધાળ ગાય વધારે ખોરાક ખાવા છતાં દૂબળું પરંતુ સુડોળ હોય છે. - ગાયનાં શિંગડાં બહુ જાડા કે બહુ મોટા તથા ઢીલા પણ હોવા ન જોઈએ.
- ગાય પહેલા કે બીજા વેતરની પસંદ કરવી જોઈએ.
- ગાય તાજી વિયાયેલી હોય તેવી પસંદ કરવી જોઈએ, ત્રણ થી ચાર વખત દૂધ કાઢીને દૂધની ખાતરી તથા આંચળની તપાસ કરવી જોઈએ.
- ગાયને કોઈ ખોડખાંપણ ન હોવી જોઈએ.
ગાય ખરીદનારે ધ્યાનમાં રાખવાના ગેરરીતિના મુદ્દાઓ
પશુની કાંધ પાકતી હોય, શરીર પરના ડાઘા ઘસરડાઓ વગેરેને ખાસ પ્રકારના રંગ-તત્વોથી, ચારકોલ વડે કે ડામ દઈને, ઇજા પામેલા ભાગને ઢાંકવા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. દૂબળા પશુને તરસ લાગે તેવો પદાર્થ ખવડાવી, વધુ પાણી પાઈને તંદુરસ્ત દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. કેટલાક શારીરિક ચિન્હો જેવા કે વાળની ભમરી, વાળના ગુચ્છા જે સામાન્ય રીતે ખરાબ લક્ષણો તરીકે જોવામાં આવતા હોય ત્યાં અસ્ત્રા વડે વાળ બાંધીને કે ઘાવાળા ભાગને રૂ વડે બાળીને ઢાંકવામાં આવે છે.
પશુની ઉંમર તેની દંતાવલી તથા તેના ઘસારાને અનુલક્ષીને નક્કી કરવામાં આવતી હોય છે. ત્યાં વેચાણકર્તા દાંતને કાનસ વડે ઘસીને સીધા દેખાય તેવા કરતા હોય છે. તે જ રીતે શિંગડાંના વર્તુળોને ગણીને ઉંમર નક્કી કરવાની થાય ત્યાં શિંગડાંને કાચપેપર વડે ઘસીને વર્તુળો નાબૂદ કરવામાં આવતા હોય છે અથવા તો શિંગડાંને રંગીને વર્તુળો ઢાંકી સાચી ઉંમરને છુપાવવામાં આવતી હોય છે.
ઓછું દૂધ આપતાં પશુઓને અપૂરતું દોહન કરવામાં આવે છે, જેથી બાવલું ભરાવદાર દેખાય. ઘણી વાર ખાંડ કે સાકર ખવરાવી કામચલાઉ દૂધ ઉત્પાદન વધારી દેતા હોય છે. પશુ ખરીદનારે ચકાસણી કરવી જોઈએ કે ભરાવદાર બાવલું તેના સોજા કે બાવલાના રોગના કારણે છે કે કુદરતી રીતે જ ભરાવદાર છે. તેના માટે બાવલામાં હાથ ફેરવી તેના પોચા હોવાની ખાતરી કરવી જોઈએ.
ઘણાં બધાં દૂધાળ પશુઓના વેચાણકર્તાઓ કેટલીક પ્રવૃત્તિઓ જેને ‘ફૂંકા’ કહેવામાં આવે છે તે મુજબ પશુને બળજબરીથી ખોટી રીત-રસમોથી પારસો મૂકવાની ફરજ પાડતા હોય છે. ખાસ કરીને તે જ્યારે વિયાણ બાદ બચ્ચાનું મરણ થાય ત્યારે દૂધાળ પશુ પારસો મૂકવામાં વિલંબ કરે છે તે વખતે પારસો મૂકવાના ઈંજેકશનો આપીને પારસો મૂકવાનું અપનાવતા હોય છે જે ખૂબ જ હાનિકારક છે.
વધુ વાંચો: ગાયો નું કોલોસ્ટ્રમ પૂરક કોવિડ દર્દીમાં શ્વસન દુઃખ ધટાડે છે – સંશોધન સમીક્ષા
ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત