દૂધનું નિર્માણ, આઉની ગ્રંથિ અને આંચળની આંતર રચના

દૂધ ઉત્પાદનમાં બે મુખ્ય પાસાં છે, એક તો આઉમાં દૂધનુ નિર્માણ થવું અને બીજું સદર દૂધનુ દોહન કરવું. આઉમાં દૂધનું નિર્માણ શી રીતે થાય છે, તે અને દોહન વખતે માદા પશુઓ શી રીતે પાનો મૂકે છે તે સમજવા માટે નીચેની બાબતો જાણવી જરૂરી છે.

આઉની રચના

ગાય-ભેંસના આઉમાં જમણી અને ડાબી એમ દરેક બાજુએ મળીને કુલ ચાર સ્તનગ્રંથિઓ હોય છે. દરેક ગ્રંથિના આંચળને નીચલે છેડે એક ગોળ સંકોચક માંસપેશી આવેલી હોય છે, જેના કારણે આંચળનું પ્રવેશદ્વાર બંધ રહે છે, આથી આઉમાંથી દૂધ બહાર નીકળી જતું નથી, તેમજ જીવાણુઓ અને સૂક્ષ્મ કચરો આંચળમાં પ્રવેશી શકતા નથી. આંચળની આ નલિકાની ઉપર આવેલું આંચળનું પોલાણ આઉની ટાંકી સાથે જોડાયેલું હોય છે, આઉની ટાંકીમાં જે તે ગ્રંથિમાં પેદા થયેલ દૂધ ઝરીને આવીને સંગ્રહાઇ રહે છે. એની સરેરાશ સંગ્રહશક્તિ ૫૭ મિ.લિ. જેટલું દૂધ સમાય એટલી હોય છે. જો કે એમાં ૧૪૦ મિ.લિ. થી માંડીને ૧૧૪૦ મિ.લિ. સુધીનો ફરક સંભવી શકે.

આઉની ટાંકી અને મોટી દૂધ વાહક નળીઓ જોડાયેલી હોય છે, એમની અનેક શાખા અને પ્રશાખામાં વિભાજિત થયેલ આવી ખૂબ જ નાની નળીઓને છેડે ફુગ્ગાના આકારનું દૂધ ઉત્પાદક કોષોનું દૂધ કોષ્ટિકાનું ઝૂમખું આવેલું હોય છે. આ ગોળાકાર કોષ્ટિકાની અંદરની બાજુઓ આવેલ દૂધ ઉત્પાદક કોષોમાં પેદા થયેલ દૂધ પ્રથમ કોષ્ટિકાના પોલાણમાં ભરાય છે અને ત્યારબાદ દૂધવાહક નલિકાઓની પરંપરા દ્વારા આ દૂધ આઉની ટાંકીમાં આવે છે.

દૂધનુ નિર્માણ

દુગ્ધ કોષ્ટિકામાં આવેલ દૂધ ઉત્પાદક કોષો લોહીમાંથી જરૂરી તત્વો શોધી લઈ એમાંથી દૂધનું નિર્માણ કરે છે. દૂધ દોહીને આઉમાંથી કાઢી લેવાય એટલે પાછું નવું પેદા થતું દૂધ એ કોષ્ટિકાના પોલાણ, દૂધ વાહક નલિકાતંત્ર અને આઉની ટાંકીમાં ભરાવા લાગે છે. આ પ્રમાણે સંગ્રાહક પોલાણોમાં આ રીતે આઉમાં દૂધ ભરવાને લીધે એમાં દૂધનુ દબાણ વધતું જાય છે. જેમ દબાણ વધે એમ દૂધ નિર્માણની પ્રક્રિયા મંદ પડતી જાય છે. આમ દૂધનું નિર્માણ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેના દરમાં આઉના દૂધના દબાણના વધવા સાથે બીજા દોહન સુધી ઘટાડો થયા કરે છે. આ દબાણમાં દોહન દ્વારા ઘટાડો કરવામાં આવે તો દૂધ ઉત્પાદનનો દર વધે છે આથી વધુ દૂધ આપતી ગાયને જો દરરોજ બાર કલાકને અંતરે બે વાર દોહવાને બદલે ૮ કલાકના અંતરે ત્રણવાર દોહવામાં આવે તો કુલ દૈનિક દૂધ ઉત્પાદન ૧૫ થી ૨૦ ટકા જેટલું વધે છે અને ચાર વાર દોહવાથી ઉત્પાદનમાં ૨૦ થી ૩૫ ટકાનો વધારો થાય છે.

Udder Gland

જો દૂધ સરખા સમયના ગાળે દોહવામાં આવે તો બંને વખતના દૂધના ઉત્પાદનના પ્રમાણમાં અને તેના ચરબીના પ્રમાણમાં ખાસ તફાવત હોતો નથી, પણ જો બે દોહન વચ્ચેનો ગાળો લાંબો ટૂંકો હોય તો લાંબા ગાળા પછીના દોહનના દૂધ ઉત્પાદનમાં વધારો અને એમાં રહેલ ચરબીના પ્રમાણમાં ઘટાડો થાય છે.

આઉની ગ્રંથિ અને આંચળની આંતર રચના

દોહન વખતે આઉમાં રહેલ દૂધનો મોટો ભાગ દુગ્ધ કોષ્ટિકાના પોલાણમાં અને બાકીનો નલિકાતંત્ર અને આઉની ટાંકીમાં રહેલ હોય છે. આઉમાં ઉપર પ્રમાણે સંગ્રહાયેલું દૂધ પાનો મૂક્યા વિના દોહનથી કાઢી શકાતું નથી. વાછરડું ધાવે તે દોહતાં પહેલાં આંચળ અને આઉને હૂંફાળા ગરમ પાણીથી ધોવામાં આવે ત્યારે આંચળમાંથી જ્ઞાનતંતુ દ્વારા મગજને સંદેશો પહોંચે છે. આ સંદેશો મળવાને પરિણામે મગજમાંથી ઓક્સિટોસીન નામનો અંતઃસ્ત્રાવ લોહી મારફતે આઉમાં આવે છે જેની અસર હેઠળ દુગ્ધ કોષ્ટિકાઓ અને નાની દૂધ વાહક નળીમાં રહેલ દૂધ ધકેલાઈને આઉની ટાંકીમાં અને ત્યાંથી આંચળના પોલાણમાં આવે છે, આ ક્રિયાને પાનો મૂકવો એમ કહે છે. ઓક્સિટોસીન માત્ર ત્રણ થી સાત મિનિટો પૂરતું જ પિચ્યુટરીમાંથી ઝરે છે. તેથી એ સમય વિત્યા બાદ આઉમાં રહી ગયું હોય તો પણ દૂધ દોહી લઈ શકાતું નથી. આથી જાનવર પાનો મૂકે કે તરત જ જેમ બને તેમ જલ્દીથી દૂધ દોહી લેવું જોઈએ. દોહતી વખતે બૂમ બરાડા પાડવા, કુતરાનું એકાએક ભસવું, દર્દ થાય તેવી ઈજા થવી, દોહતી વખતે અજાણ્યા માણસની હાજરી હોવી, ગાયને મારવી કે પીટવી વગેરેને કારણે ગાયની એડ્રીનલ નામની ગ્રંથિમાંથી ઝરતાં અંતઃસ્ત્રાવની અસરથી ઓક્સિટોસીનની અસર મંદ પડી જાય છે, આથી દોહન ક્રિયા શાંતિથી અને નિયમિત સમયે કરવી જોઈએ.

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત