ઉનાળામાં ગરમીથી પેદા થતી તણાવની દૂધાળ પશુઓ પર થતી અસરો
સામાન્ય રીતે વાતવરણના વધતાં તાપમાનની સાપેક્ષમાં શરીરનું ઉષ્ણતામાન જાળવી રાખવા ચાલતી ચયાપચયની ક્રિયાઓનો મૂળભૂત દર ઘટે છે, જેને કારણે શરીરમાં પેદા થતી ગરમી કાબુમાં રાખી શકાય છે. આ ચયાપચયની ક્રિયાનો દર ઘટવાને લીધે પશુઓની ખોરાક લેવાની ક્ષમતા, દૂધ ઉત્પાદન અને પ્રજનનક્ષમતામાં ઘટાડો થાય છે. પશુઓમાં ગરમીને કારણે તણાવ પેદા થાય છે, ઉનાળામાં ગરમીથી પેદા થતી તણાવની દૂધાળ પશુઓ પર થતી અસરો નીચે મુજબની હોય છે.
ખોરાક તથા પાચનશક્તિમાં ઘટાડો
ખોરાકનો ઘટાડો ગરમીના પ્રમાણમાં થતો હોય છે, જેટલી વધારે ગરમી એટલો ખોરાકમાં ઘટાડો. ગરમીની અસર નિવારવા માટે થતી શારીરિક ક્રિયાઓ ઝડપી થવાથી મોટાભાગની શક્તિ તેમાં વપરાઇ જાય છે, જેના લીધે શરીરમાં પણ વધુ ગરમી ઉત્પન્ન થાય છે તેને કારણે પાચનશક્તિમાં ઘટાડો થાય છે. ગરમીને કારણે ઉનાળામાં પાચનશક્તિમાં ૧૦ થી ૧૨ ટકાનો ઘટાડો માલૂમ પડેલ છે.
દૂધ ઉત્પાદનમાં ઘટાડો
ઉનાળામાં દૂધ ઉત્પાદન ઘટી જાય છે, જેનું મુખ્ય કારણ હલકી કક્ષાનો અને જરૂર કરતાં ઓછો મળતો ઘાસચારો છે. આના પરિણામે જાનવરોને જરૂરિયાત કરતાં ઓછી શક્તિ મળવાથી દૂધ ઉત્પાદન સામાન્ય કરતાં નીચું જાય છે.
દૂધના બંધારણમાં ફેરફાર થવો
પશુમાં દૂધના બંધારણમાં ગરમીને કારણે કેટલાક અગત્યના ફેરફાર થાય છે, જેમાં ફેટના ટકા, ફેટ સિવાયના તત્વો તથા ઔજસદ્રવ્ય(પ્રોટીન-કેસિન)માં થતો ઘટાડો મુખ્ય છે. વાતાવરણના ઊંચા તાપમાનને લીધે તેમના દૂધમાં લેકટોઝના ટકામાં પણ ઘટાડો જોવા મળે છે.
શારીરિક વિકાસ અને વૃદ્ધિદરમાં ઘટાડો
આસપાસના ગરમ વાતાવરણથી પશુઓમાં ખોરાક અને ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવોમાં ઘટાડો થાય છે તથા ગરમી દૂર કરવા શરીરની વધારે શક્તિ વપરાય છે, જેને કારણે વૃદ્ધિદરમાં ઘટાડો થાય છે.
પાણીની જરૂરિયાતમાં વધારો
તાપમાનમાં ૩૫ ડિગ્રી સે. થી ૩૭ ડિગ્રી સે. જેટલો વધારો થતાં પાણીની જરૂરિયાતમાં ૪૦ ટકા જેટલો વધારો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ ગરમીને કારણે પશુના શરીરમાંથી ત્વચા અને ફેફસાં દ્વારા વધારે પાણીનો નિકાલ થાય તે છે.
ઊંચો શ્વસન દર
ગરમીને કારણે પશુનો શ્વસન દર ૧૫ થી ૨૦ ગણો વધી જાય છે, જે શરીરના ડાબી બાજુના કૂખના ખાડાની ચામડી દ્વારા થતાં હલનચલન દ્વારા જાણી શકાય છે. ગરમીને કારણે વાતાવરણની હવા પાતળી થવાથી પશુનું વધારે પ્રમાણમાં હાંફવાને લીધે ઘણી વખત આ સ્થિતિ ભયજનક બની જાય છે.
મોં ખુલ્લુ રાખી શ્વાસ લેવો
આ એક છેલ્લી કક્ષાના તણાવની નિશાની છે, જેમાં પશુ મોં આગળ લે છે, તેની જીભ બહાર નીકળી જાય છે, ખૂબ જ પ્રમાણમાં લાળ ઝરે છે તથા આગળના પગ પહોળા રાખી પશુ ઊભું રહે છે, જેવા ચિન્હો જોવા મળે છે.
શારીરિક તાપમાન ઊંચું થવું
પશુના શરીરનું સામાન્ય તાપમાન ૩૭ ડિગ્રી સે. કરતાં વધી જાય છે, જે ૪૧ ડિગ્રી સે. જેટલું થાય અને વધુ સમય રહે તો તાત્કાલિક સારવારની ફરજ પડે છે. ઊંચા તાપમાનને કારણે પશુ બેચેની અનુભવે છે તથા ખોરાક, પાણી અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
પશુની પ્રજનનક્ષમતામાં ઘટાડો
ગરમીથી પશુની પ્રજનનક્ષમતામાં ઘટાડો થાય છે. ગાભણ થવાનો દર ઘટી જાય છે. અંતઃસ્ત્રાવોમાં થતાં ફેરફારથી માદા પ્રચ્છન્ન ગરમીમાં આવે છે, જેથી ગરમીમાં આવેલ માદાને ઓળખવી મુશ્કેલ પડે છે અને તેથી ગરમી ચૂકી જવાથી અથવા ખોટા સમયે બીજદાન કરવાથી પ્રજનનક્ષમતામાં ઘટાડો થાય છે.
પશુઓની ઉત્પાદનક્ષમતા તેમના જનિંનકીય બંધારણ, વાતાવરણ અને તેમના વચ્ચેની પ્રતિક્રિયા ઉપર આધાર રાખે છે. વાતાવરણનું તાપમાન અને ભેજ પશુની ઉત્પાદનક્ષમતા પર અસર કરતાં મુખ્ય પરિબળો છે. આથી સારું અને વધુ ઉત્પાદન મેળવવાં માટે પશુઓને વાતાવરણની બદલાતી અસરો સામે રક્ષણ આપવા સતર્ક અને સક્ષમ રહેવું અનિવાર્ય બની જાય છે.
ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત