બે થી પાંચ પશુઓ માટે રહેઠાણની વ્યવસ્થા કેવી હોવી જોઈએ?

ખેડૂતો મિશ્ર ખેતી પદ્ધતિમાં એકાદ-બે થી પાંચ પશુઓ પોતાને અનુકૂળ આવે તેવા રહેઠાણમાં રાખે છે, આવા રહેઠાણમાં પશુઓ માટે આરામદાયક ભોંયતળિયાની પૂરતી જગ્યા, ઉપર છાપરું, ત્રણ બાજુ દીવાલ કે આડસ, ખોરાક નિરવાની જગ્યા અને ગટરની વ્યવસ્થા રાખવી જરૂરી છે. આવા આશરે ૯ મીટર લાંબા અને ૩ મીટર પહોળા રહેઠાણમાં આશરે દશ પુખ્ત વયના પશુઓ રાખી શકાય. આ રહેઠાણમાં દરેક પશુ માટે ભોંયતળિયાની જગ્યાની સરેરાશ લંબાઈ ૧.૫ મીટર  થી ૧.૭ મીટર અને પહોળાઈ ૧.૦ મીટર થી ૧.૨ મીટર રાખવામાં આવે છે. આટલી જગ્યામાં પશુઓ આરામથી ઊભું રહી શકે છે અને બેસી શકે છે. આવા રહેઠાણનું ભોંયતળિયું જે તે સ્થળના વરસાદના પ્રમાણ અનુસાર સામાન્ય રીતે આજુબાજુની જમીન કરતાં ૧૫ થી ૪૫ સે. મી. ઊંચું રાખવામાં આવે છે. ભોંયતળિયુ અનેક પ્રકારનુ બનાવી શકાય. ખર્ચની દ્રષ્ટિએ મુરમનુ ભોંયતળિયું સૌથી સસ્તુ અને સિમેન્ટ કોંક્રીટનુ ભોંયતળિયું સૌથી મોઘું પડે છે. ગાયો-ભેંસો જેવા પશુઓ માટે લાંબા ગાળે મરામત વગેરે માટે થતો ખર્ચ, સ્વાસ્થ્ય, રક્ષણ અને ટકાઉપણાનો વિચાર કરતાં સિમેન્ટ કોંક્રીટનુ બનાવવુ વધુ સલાહ ભર્યું છે. જાનવરોને ખોરાક ખવડાવવા માટે આવા મકાનોમા દીવાલની લંબાઈને સમાંતર અંદરની અર્ધગોળાકાર એક ગમાણ બાંધવામાં આવે છે. ગમાણ પથ્થર, લાકડું, ઈંટો અને સિમેન્ટ કોંક્રીટની બનાવી શકાય.

ગમાણના માપની વિગત

અ. નં. માપ પથ્થરની બનાવવા માટે લાકડાની બનાવવા માટે ઇંટોના ચણતર માટે
ભોંયતળિયાથી ગમાણના આગળની દિવાલની ઊંચાઈ ૩૦ ૩૦ ૩૦
ગમાણની આગળની દિવાલની જાડાઈ ૧૦
ગમાણની પહોળાઈ અંદરની બાજુએ ૭૫ ૭૫ ૭૫
ગમાણની ઊંડાઈ આગલી દિવાલની ટોચથી ૨૦ ૨૦ ૨૦

છાપરું

આ રહેઠાણ માટે છાપરું એક બાજુ ઢાળવાળું રાખવામાં આવે છે. નેવા તરફનો તેનો ઢાળ ૧:૧૦ રાખવામાં આવે છે. ઊંચાઈ આશરે મોભારે ૩ મીટર અને નેવાએ ૨.૭ મીટર રાખી શકાય છે. છાપરું બનાવવા માટે નળિયા, એસબેસ્ટોસ સિમેન્ટ અથવા ગેલવેનાઇઝડ લોખંડના પતરાં અથવા સિમેન્ટ કોંક્રીટનો ઉપયોગ થઈ શકે. સખત ગરમી કે ઠંડો પવન અને વરસાદની વાછટ અટકાવવા છાપરાના નેવાની લંબાઈ થાંભલાની બહાર જરૂરિયાત મુજબ ૫૦ થી ૭૫ સે. મી. રાખવામાં આવે છે.

દિવાલ અને થાંભલા

છાપરાને ટેકો આપવા તથા ઠંડા અને ગરમ પવનોથી અને કૂતરા, સાપ વગેરેથી રક્ષણ મેળવવા માટે આ રહેઠાણમાં પાછલી એક અને બાજુની બે એમ ત્રણ દિવાલ અને આગળ થાંભલા રાખી શકાય. પાછલી બાજુની દિવાલની ઊંચાઈ જે તે વિસ્તારની આબોહવા ઉપર આધાર રાખે છે. થાંભલા ઈંટો કે પથ્થરના ચણતરના, લાકડાના, લોખંડના ભૂંગળાના, લોખંડની એંગલના કે લોખંડના પાટાના પણ બનાવી શકાય છે. ચણતર કરીને બનાવેલ થાંભલાની જાડાઈ ૩૫*૩૫ સે. મી. રાખી શકાય.

ગંદા પાણી અને પેશાબનો નિકાલ

પાકા ભોંયતળિયામાં પશુઓને ઊભા રહેવાની જગ્યાની પાછળ વહી જવા માટે છીછરી નીક બનાવી શકાય. એને બીજે છેડે પેશાબ ભેગો થવા માટે એક કુંડી બનાવી શકાય. આ કુંડી તરફ નીકનો ઢાળ ૧:૪૦ નો રાખવામાં આવે છે. નીકની પહોળાઈ ૩૦ સે. મી. અને ઊંચાઈ ભોંયતળિયાની સપાટીથી ૫ સે. મી. જેટલી રાખી શકાય. રહેઠાણના એક છેડા તરફ ગોળ કે લંબચોરસ પેશાબની કુંડી રાખવામાં આવે છે. ૬૦*૪૫*૪૦ સે. મી. માપની બનાવી શકાય.


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત