પશુ રહેઠાણને જંતુમુક્ત રાખવાની પદ્ધતિઓ
કોઈ પણ જગ્યાને જંતુમુક્ત કરવાનો હેતુ તેને કોઇપણ જાતના ચેપરહિત કરવાનો છે. તેના માટે જંતુનાશકો વપરાય છે, કે તેઓ જાનવરના છાણ-મૂત્ર તથા અન્ય કચરામાં સંગ્રહાયેલ જીવાણુઓનો નાશ કરે છે. જો આ જીવાણુઓનો નાશ કરવામાં ન આવે તો જીવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બની જાય છે. જીવાણુઓ ખોરાક, પાણી કે વ્યક્તિના માધ્યમ દ્વારા એક જાનવરમાંથી બીજા જાનવરમાં ફેલાય છે અને એક પછી એક બધા જ જાનવરો રોગનો ભોગ બને છે. તેથી આવા ચેપી જીવજંતુઓનો ગૌશાળામાંથી નાશ કરવો ખૂબ જ જરૂરી છે. તેથી ધણને આવા ચેપથી બચાવી તન્દુરસ્તી સાચવી શકાય.
પશુ રહેઠાણને રોજેરોજ જંતુમુક્ત કરવું
- ખાસ કરીને વાછરડાના શેડમાં ભોયતળિયું પાણીથી ધોયા બાદ ૦.૫ ટકા ફીનાઈલ વડે જંતુમુક્ત કરવું.
- ફીનાઈલનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરવો જયારે ચેપી રોગ કે ઝાડાનું પ્રમાણ વધે ત્યારે બે થી વધુ વખત કરી શકાય છે.
- પાણી પીવાનો હવાડો અઠવાડિયામાં એક વખત સાફ કરીને, અંદર ચૂનો લગાવવો.
- ગમાણોને મહિનામાં એક વખત ચૂનો લગાવવો.
- ચૂનાનો પાવડર કે ગાંગડા ખરાબ પાણીથી ભરેલ જગ્યાઓમાં છાંટવા જે ભેજ શોષી જે તે જગ્યાને જંતુમુક્ત કરશે.
- જીવાણું કે વિષાણુથી થયેલ ચેપી રોગના હુમલા વખતે જે તે અસરકારક જંતુનાશક વાપરવા. દા.ત. ધોવાના સોડા (સોડા એશ) વગેરે.
- કોક્સીડીયાનો પ્રશ્ન ઉકેલવા માટે એમોનીયાનું ૧૦ ટકા દ્રાવણ વાપરી શકાય છે.
- જાનવરોના શેડમાં ખાસ કરીને વાછરડાના શેડમાં પુરતો સુર્યપ્રકાશ મળી રહે તે ઇચ્છનીય છે.
- શેડના વાસણો દા.ત. દૂધનિ બરણીઓ, તગારાં, ડોલ વગેરે સીધા સૂર્યપ્રકાશમાં આવે તેમ રાખવાં.
સામાન્ય રીતે વપરાતા જંતુનાશકો
(૧) ફીનાઈલ:
તે જંતુનાશક તથા ખરાબ વાસને દૂર કરનાર છે. સામાન્ય રીતે ૦.૫-૨.૦ ટકા દ્રાવણ જાનવરોના શેડમાં ભોયતળિયાને જંતુનાશક કરવા માટે વપરાય છે.
(૨) ધોવાના સોડા:
જયારે વિષાણું દ્વારા ફેલાતા રોગનો હુમલો થયો હોય ત્યારે જંતુનાશક તરીકે ધોવાના સોડાનો ઉપયોગ કરી શકાય છે. ૪ ટકા દ્રાવણોનો વાસણ ધોવા, સાધનો ધોવા કે ફૂટ બાથમાં ઉપયોગ કરી શકાય છે.
(૩) કોસ્ટીક સોડા:
જાનવરોના રહેઠાણ તથા અન્ય મકાનોને જંતુનાશક કરવામાં ૨.૮ ટકાનું દ્રાવણ વાપરી શકાય છે.
(૪) એમોનીયા:
૧૦ ટકા પ્રવાહી કોક્સીડીયાના જંતુઓ દુર કરે છે તેથી વાછરડાના વાડા તથા મરઘા ફાર્મમાં ખાસ વાપરવો.
(૫) ફોર્મેલીન:
૨ ટકા દ્રાવણ જંતુનાશક તરીકે જાનવરોના શેડના ભોયતળિયું સાફ કરવા વાપરી શકાય છે.
(૬) ચૂનો:
પાવડર ચૂનાનો ઉપયોગ ખાતર પર છાંટવા માટે, ભોયતળિયા પર છાંટવા માટે કે પાણીનો હવાડો, ગમાણની દીવાલો વગેરેને ધોળવા માટે કરી શકાય છે. તે સારો જંતુનાશક તથા દુર્ગંધ દૂર કરનારો છે.
(૭) બ્લીચીંગ પાવડર:
તે ખૂબ જ શક્તિશાળી જંતુનાશક છે. ચેપી રોગ ફેલાયો હોય ત્યારે જાનવરોના શેડ વગેરે જંતુનાશક કરવા વપરાય છે. તે દુગ્ધાલયમાં વાપરી શકાતો નથી, કારણકે તેની તીવ્ર વાસ દૂધમાં આવવાની શક્યતા છે.
(૮) ફીનોલ:
તે ઝેરી અને દાહક છે. ૧ થી ૨ ટકાનું દ્રાવણ જંતુનાશક તરીકે વપરાય છે.
(૯) ફોર્માલ્ડિહાઇડ ગેસ:
ઇંડાનો સેવનરૂમ, હેચરી, ઇન્ક્યુબેટર વગેરે ને જંતુનાશક કરવા ૩૦ ગ્રામ પોટેશિયમ પરમેંગેનેટ+૪૫ મિ.લી. ૪૦ ટકા ફોર્મેલીનનું દ્રાવણ મિક્ષ ઉત્પન્ન થતો વાયુ એક મીટર જગ્યા જંતુનાશક બનાવે છે.
(૧૦) સુર્યપ્રકાશ:
સુર્યપ્રકાશ પાસે જંતુનાશક શક્તિ છે. તે તેના પારજાંબલી કિરણોને કારણે છે. તેની જંતુનાશક શક્તિનો આધાર તેની તીવ્રતા અને પ્રકાશની દિશા પર રહેલ છે.
સંદર્ભ
સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા- ભાગ: ૩
ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત