ગર્ભધારણની સમસ્યાઓ અને તેના ઉકેલ

ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન એક મહત્વનું પરિબળ છે. પશુપાલનની આ મહત્તા સમજાયા પછી વધુ ને વધુ લોકો પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય અપનાવતા થયા છે. ત્યારે પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વધુ દૂધ ઉત્પાદન અપનાવવા આનુવંશિક ગુણો ધરાવતી સારી ઓલાદના પશુઓનો ઉછેર કરવો જોઈએ. પરંતુ વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે ફક્ત વધુ દૂધ આપવાના આનુવંશિક ગુણો ધરાવતી સારી ઓલાદના પશુઓ રાખવા તેટલું જ પૂરતું નથી, બલકે, સારી ઓલાદના પશુઓ મેળવ્યા બાદ તે માદા પશુઓમાં સફળ ગર્ભધારણ થાય અને પ્રતિવર્ષ ઓછામાં ઓછું માદા પશુઓમાં એક વિયાજણ રહેવાથી દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે છે. આથી અંગ્રેજીમાં કહેવાય છે કે, “ધેર ઈઝ નો પ્રોડક્શન વિધાઉટ રીપ્રોડક્શન” અર્થાત ‘વિના પ્રજનન નહીં ઉત્પાદન’. તેથી પશુ-સંવર્ધનમાં ગર્ભધારણ એક પાયાની મહત્વની બાબત ગણાવી શકાય. ગર્ભધારણ એટલે કે આપણી ગાય કે ભેંસનું પુખ્તવય થયા પછી નિયમિત ઋતુકાળમાં આવે અને સરળતાથી કુદરતી કે કૃત્રિમ બીજદાન દ્વારા સફળતાપૂર્વક પ્રજનનથી અંડાણું અને શુક્રાણુના ફલીનીકરણથી માદા પશુ ગર્ભધારણ કરે તે ક્રિયાને ગર્ભધારણ કહે છે. ગર્ભધારણ ગાય વર્ગમાં નવમાસ અને ભેંસ વર્ગમાં દસ માસને અંતે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ વગર તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે અને તેના નવા વેતર દરમિયાન સારુ દૂધ ઉત્પાદન આપે ત્યારે ગાય કે ભેંસ આર્થિક દ્રષ્ટિએ નફાકારક નીવડે. સંવર્ધન યોગ્ય ગાયો તથા ભેંસોમાં ગર્ભધારણ ઉચ્ચતમ સ્તરે જળવાઈ રહે તે ડેરી-ઉદ્યોગના અર્થતંત્રમાં મુખ્ય બાબત છે. કારણ કે સંવર્ધન એ પશુપાલન માટે પૂર્વપેક્ષિત બાબત છે. પશુઓની વ્યવસ્થા આ બાબતમાં મુખ્ય ભાગ ભજવે છે. યોગ્ય પશુપાલન વ્યવસ્થાથી પશુઓમાં ઓછો શ્રમ પડે છે, તેવી પદ્ધતિઓ અપનાવવાથી પશુઓમા ગર્ભધારણ શક્તિ વધે છે.

ગર્ભધારણની સમસ્યાઓ અને ઉકેલ

પશુ રહેઠાણની આદર્શ વ્યવસ્થા, પશુ પોષણ અને માવજત પર પુરતું ધ્યાન આપવામાં આવે અને પ્રજનન માટે ઋતુચક્ર વ્યવસ્થિત હોય તો માદા પશુઓમાં ગર્ભધારણ નિયમિત થાય છે. દુગ્ધકાળનો સમય શ્રેષ્ઠ રહે છે અને વસુકેલ દિવસો માટે ટૂંકો સમયગાળો રહે અને બે વિયાજણ વચ્ચેનો ગાળો આદર્શ બની રહે છે. તેથી પશુપાલન નફાકારક-પૂરક વ્યવસાય તરીકે નિભાવી શકાય. આવી પરિસ્થિતિ જાળવી રાખવાનો જ્યારે પણ અભાવ વર્તાય ત્યારે ગર્ભધારણની મુખ્યત્વે સમસ્યાઓ ઉદભવે છે. જેનો સુઆયોજિત ઉકેલ મેળવી આદર્શ પશુપાલન દ્વારા પશુપાલકોમાં શ્વેતક્રાંતિ લાવી શકાય. આથી હવે, ગર્ભધારણની જુદી-જુદી સમસ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી બને છે.

સફળ ગર્ભધારણ ટકાવી રાખવા પશુપાલકોએ આટલું અવશ્ય લક્ષમાં રાખવું જોઈએ;

  1.  ગાયો/ભેંસો ગરમીમાં ક્યારે આવે છે તે જાણવા માટે નિયમિત વ્યવસ્થા હોવી જરૂરી છે. આ માટે નસબંધી(ટીઝર) કરેલ સાંઢ/પાડાને સવારે તથા સાંજે ગાયો/ભેંસો આગળ ગરમી પરીક્ષણ માટે લઈ જવા જઈએ.
  2.  ગાયો/ ભેંસોનું સંવર્ધન ઉચ્ચ કક્ષાના સાંઢ/પાડાના થીજવેલ બીજ દ્વારા અથવા કુદરતી સેવા દ્વારા કરાવવું જોઈએ.
  3.  પશુઓની જાતીય તંદુરસ્તી માટેનો આયોજિત કાર્યક્રમ હોવો જોઈએ અને તેનું પાલન ચુસ્તપણે થવું જોઈએ. માદા પશુઓને લગતાં રોગોનું લાક્ષણિક નિદાન થઈ શકે તે માટે નિયમિત સમયાંતરે તપાસ કરાવવી. યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

માદા પશુઓના ગર્ભધારણની મુખ્યત્વે સમસ્યાઓ ત્રણ વિભાગમાં વહેંચી શકાય;

(૧) ગરમીમાં ન આવવુ

અંડાશય જ્યારે નિષ્ક્રિય અને નિશ્ચય અવસ્થામાં હોય ત્યારે માદા પશુઓનું ઋતુચક્ર સંપૂર્ણપણે બંધ હોય છે. એટલે કે, નિષ્ક્રિય હોય છે. આવી સ્થિતિમાં ગાય કે ભેંસ ગર્ભધારણ કરી શકતી નથી(ખાલી હોઈ છે). અંડાશય સમતલ હોય છે. મળગૃહ પરીક્ષણ દરમિયાન અંડાશય પર પુટીકાઓ કે પીત્તકાય જોવામાં આવતા નથી. આવા કિસ્સાઓમાં ઇન્જેક્શન જી.એન.આર.એચ આપી સારવાર કરી શકાય. ભેંસોમાં વિયાજણ પછી ફરી ગરમીમાં લાંબા સમય સુધી ન આવવાની ફરિયાદ અનેક વાર જોવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ઘણું ખરું પીત્તકાય જેવો વિલય જોઈએ અને તે ન થાય અને તેનું અસ્તિત્વ ચાલુ રહે ત્યારે માદા પશુઓ લાંબા સમયગાળા માટે ગરમીમાં આવતા જણાતા નથી. આથી આવા સંજોગોમાં ઇન્જેક્શન પ્રોસ્ટાગ્લાન્ડીન (ડાયનોફર્ટીન) આપવાથી ફાયદો થાય છે.

(૨) ગાયો–ભેસોમાં વારંવાર ઉથલા મારવા

અંડબીજના વિમોચન વગર પશુ ગરમીમાં આવે ત્યારે તેને એનઓવ્યુલેટરી હિટ કહેવામાં આવે છે. એક અંદાજ મુજબ દેશી ગાયોમાં આ પરિસ્થિતિનું પ્રમાણ ઘણું વધારે છે (૨૪ ટકા) અને તેને લીધે ગાયો/ભેંસોમાં અવારનવાર ઉથલા મારવાની સમસ્યાઓ વિશેષ હોય છે. આવા કિસ્સાઓમાં ઋતુચક્રના ૧૩મા દિવસે ઇન્જેક્શન જી.એન.આર.એચ આપવું અને ત્યારબાદ ગાય/ભેંસ ગરમીમાં આવે ત્યારે કૃત્રિમ બીજદાન કે કુદરતી રીતે ફાલુ કરાવવું.

(૩) ગર્ભાશયનો સોજો કે ગર્ભાશયમાં બગાડ થવો

ઘણીવાર ગાય/ભેંસના વિયાજણને બાદ મેલી-ઓર પડવાની તકલીફને લીધે કે પછી સુવાવડ દરમિયાન નિષ્કાળજીને પરિણામે ગર્ભાશયમાં બગાડ કે સોજો જોવા મળે છે. મળગૃહ પરીક્ષણ દરમિયાન ગર્ભાશયમાં અવાજ તેમજ મધ્યમથી ઘટ્ટ પ્રવાહી એકત્રિત થયેલ હોય તેમ જણાય છે. ઘણીવાર કૃત્રિમ બિજદાન અચોક્કસ સમયે થતાં પણ આવી સમસ્યાઓ જોવા મળે છે.

આ સંજોગોમાં નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરી માર્ગદર્શન મુજબ જરૂરી એન્ટિબાયોટિક્સ પાંચ દિવસ માટે સતત ચાલુ રાખવાથી ગર્ભાશયનો બગાડ અટકાવી, ગર્ભાશય સારું થઈ શકે છે અને ત્યારબાદ ચોખ્ખા તેલ જેવી લાળી કે જેમાં બિલકુલ બગાડ ન જાય ત્યારે કુત્રિમ બિજદાન કે કુદરતી રીતે ફાલુ કરાવવાથી ગાય/ભેંસમાં ગર્ભધારણ થઇ શકે છે.

ગરમીના ચિન્હો ન જણાવા (સુષુપ્ત ગરમી)ને લીધે ગાય/ભેંસોમાં કૃત્રિમ બીજદાન ક્યારે કરવું તે ચોક્કસ નક્કી થઈ શકતું નથી અને પરિણામે ગાય/ભેસ ગર્ભધારણથી વંચિત રહેવાને લીધે ખાલી રહે છે. આવી ગરમીના ચિન્હો ન જણાય તેવી પરિસ્થિતિ ભેંસોમાં અનેકવાર જોવા મળે છે. આ પ્રકારની ફરિયાદો ૨૦ થી ૪૦ ટકા ભેંસોમાં હોવાની સંભાવના છે.

આ સંજોગોમાં જ્યારે જ્યારે પણ ગાય/ભેંસ ગરમીમાં આવ્યાનો સંશય થાય કે, તુરંત નસબંધી કરાવેલો સાંઢ/પાડા દ્વારા કે નજીકના પશુચિકિત્સક દ્વારા ગરમી પરીક્ષણ કરાવી અથવા ગાય કે ભેંસ ગરમીમાં હોય તો કુદરતી કે કૃત્રિમ બીજદાન રીતે ફાલુ કરવું જોઈએ. ત્યારબાદ ઇન્જેક્શન જી.એન.આર.એચ પાંચ મિ.લિ. સ્નાયુમાં આપવાથી ગાય/ભેંસમાં સગર્ભા થવાની શક્યતા વધે છે. અંતઃસ્ત્રાવના ઇન્જેક્શનની અસર અંડાશયમાં અંડબીજના વિમોચન પર થાય છે અને તેથી ફળદ્રુપતાવાળી ગાય/ભેંસોમાં ગર્ભધારણ થવાની ક્ષમતા વધે છે.

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા- ભાગ: ૩


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત