એઝોલ્લા – પૌષ્ટિક પશુ આહાર તરીકે એક ઉત્તમ સ્રોત

પરિચય

ભારતમાં વિશ્વમાં સૌથી વધુ પશુધન વસ્તી છે અને આવનારા વર્ષોમાં ૦.૫૫ ટકાના દરે વૃદ્ધિ થવાની અપેક્ષા છે. તેમ છતાં, ભારત પ્રાણી ઉત્પાદનો (દૂધ, માંસ અને ઇંડા) ના ઉત્પાદનમાંઆગળ પડતા ઉત્પાદકોમાંનું એક છે, વૈશ્વિક સરેરાશની તુલનામાં ભારતમાં પ્રાણીઓની ઉત્પાદકતા ૨૦-૬૦ ટકા જેટલી ઓછી છે. વિકાસશીલ દેશોમાં પશુધન ઉત્પાદનના મોટા અવરોધોમાં અછત, વધઘટ માત્રા અને ગુણવત્તા તથા લીલા ઘાસચારોની વર્ષભર ઉપલબ્ધતા શામેલ છે. મોટે ભાગે, ઘાસચારાની અછતને કમર્શિયલ ફીડ દ્વારા વળતર આપવામાં આવે છે, પરિણામે માંસ અને દૂધના ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય છે. પશુધન ઉત્પાદનની સફળતા મોટા ભાગે ખોરાકના ખર્ચમાં વધારો કર્યા વિના ઉત્પાદન વધારવા પર આધારીત છે. તદુપરાંત, કમર્શિયલ ફીડ કે જે યુરિયા અને અન્ય કૃત્રિમ દૂધ બૂસ્ટર સાથે ભેળવામાં આવે છે, તેની ઉત્પાદનોની ગુણવત્તા અને પ્રાણીઓના આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે. આ સંદર્ભમાં, પરંપરાગત લીલો ઘાસચારો અને વ્યાપારી દાણના વિકલ્પોની શોધ અદ્ભુત છોડ એઝોલ્લા તરફ દોરી ગઈ અને એઝોલ્લાનો પ્રાણી આહાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો.

એઝોલ્લા- એક બહુહેતુક છોડ

એઝોલ્લા જેને સામાન્ય રીતે મચ્છર રોપા/ ડકવીડ રોપા/ ઉચિત શેવાળ / પાણીના રોપા કહેવામાં આવે છે તે સાલ્વિનીયાસી કુટુંબની સાત પ્રજાતિઓ સહિત એક તાજી પાણીની તરતી રોપની પ્રજાતિ છે. તે વાતાવરણીય નાઇટ્રોજનની સ્થિરતા માટે જવાબદાર એવા એનાબીના એઝોલે નામના ‘વાદળી-લીલા શેવાળ’ સાથેના સહજીવન સંબંધને કારણે સૌથી ઝડપથી વિકસતા છોડમાંનું એક છે. બદલામાં, એઝોલ્લા એ શેવાળના વિકાસ અને વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે. આ અનન્ય સહજીવન સંગઠન ઉચ્ચ પ્રોટીન સામગ્રી ધરાવતો એક અદ્ભુત છોડ બનાવે છે. તેની ઝડપથી વિકસતી ટેવ, ઊંચા પોષક મૂલ્ય અને વૃદ્ધિના ઉપયોગને કારણે એઝોલ્લાને ઘણીવાર ઉત્તમ છોડ અથવા લીલા સોનાની ખાણ અથવા બહૂપયોગી છોડ તરીકે ઓળખવામાં આવે છે. એઝોલ્લાના સૌથી સામાન્ય વપરાશમાં ખાસ કરીને ચોખાના પાક અને પશુધન આહારમાં જૈવિક-ખાતર તરીકે ઉપયોગનો સમાવેશ થાય છે. માનવ ખોરાક તરીકે પણ તેના ઉપયોગના અહેવાલો છે.

એઝોલ્લાની પોષક સામગ્રી

એઝોલ્લાનું પોષક મૂલ્ય સારી રીતે દસ્તાવેજીકરણ થયેલ છે જે બતાવે છે કે તે પ્રાણીના પોષણ માટે જરૂરી લગભગ તમામ આવશ્યક એમિનો એસિડ્સ સાથે પ્રોટીનનો સ્રોત છે. તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન-એ અને બી-૧૨ જેવા વિટામિન પણ પૂરા પાડે છે. એવું નોંધાયેલું છે કે શુષ્ક વજનના આધારે, તેમાં ૨૫-૩૫ ટકા પ્રોટીન, ૧૦-૧૫ ટકા ખનિજતત્વો અને ૭-૧૦ ટકા એમિનો એસિડ, જૈવ-સક્રિય પદાર્થો અને જૈવિક-પોલિમર હોય છે. એઝોલ્લા લોહતત્વ(૧૦૦૦-૮૬૦૦ પીપીએમ સૂકા વજનમાં), તાંબું(૩-૨૧૦ પીપીએમ સૂકા વજનમાં) મેંગેનીઝ (૧૨૦-૨૭૦૦ પીપીએમ સૂકા વજનમાં), વિટામિન એ (૩૦૦-૬૦૦ પીપીએમ સૂકા વજનમાં), હરિતદ્રવ્ય અને કેરોટિન્સથી સમૃદ્ધ હોય છે. તેમાં ૪.૮-૬.૭ ટકા સુષ્ક વજનવાળું કાચી ચરબી હોય છે. એઝોલ્લામાં કાર્બોહાઇડ્રેટ અને ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

એઝોલ્લા ઉત્પાદન તકનીક

એનઆઈએનએપી, બેંગ્લોર અને એનએઆરડીઈપી, કન્યાકુમારી સહિતના અનેક સંગઠનોએ ખેડૂતોના મકાનોમાં એઝોલ્લાના ઉત્પાદન માટે આર્થિક અને ઉપયોગમાં સરળ ઉત્પાદન પદ્ધતિઓ વિકસાવી છે. આ પદ્ધતિમાં મુખ્યત્વે જમીન પર ૨ x ૨ x ૦.૨ મી. ના નાના ખાડાઓ ખોદવામાં આવે છે જે પોલિથીન ચાદરોથી સજ્જ હોય ​​છે અને ઇંટો દ્વારા આધારભૂત હોય છે. પાણીમાં ૩૦ ગ્રામ સુપર ફોસ્ફેટ સાથે પૂરક ૨ કિલો ગાય-છાણનો ગારો સામાન્ય રીતે આ તળાવોમાં એઝોલ્લાના ઉત્પાદન માટે પેટા-પદાર્થ તરીકે વપરાય છે. પ્રારંભિક વાવણીના ૧૫ દિવસ પછીથી દરરોજ ૫૦૦-૬૦૦ ગ્રામ એઝોલ્લાની લણણી કરી શકાય છે. એઝોલ્લાની ઝડપી વૃદ્ધિને જાળવવા અને દરરોજ ૫૦૦ ગ્રામ જેટલું ઉત્પાદન જાળવવા માટે દર ૫ દિવસે એક વખત સુપર ફોસ્ફેટ ૨૦ ગ્રામ અને લગભગ ૧ કિલો જેટલું ગોબરનું મિશ્રણ ઉમેરવું જોઈએ. આ પદ્ધતિ સાથે, એઝોલ્લાના ઉત્પાદનની કિંમત ૦.૬૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરતાં પણ ઓછી છે. કેટલાક કામદારોએ તાજા બાયોગેસ ગારા, બાથરૂમમાંથી નીકળતા ગંદા પાણી અને પશુઓના તબેલા ધોયા પછી બાકી રહેલા પાણીથી, તાજા પાણીની ઉપલબ્ધતાની સમસ્યા હોય તેવા વિસ્તારોમાં વૈકલ્પિક ઉમેરાનો ઉપયોગ સૂચવ્યો હતો.

પશુ આહાર તરીકે એઝોલ્લા

એઝોલ્લાની પોષક રચના તેને એક અત્યંત આર્થિક, કાર્યક્ષમ અને અસરકારક આહાર અવેજી અને પશુધન માટેના આહારનો ટકાઉ સ્રોત બનાવે છે. તેની ઊંચી પ્રોટીન અને ઓછી લિગ્નીન માત્રાને લીધે પશુઑ સરળતાથી તેને પચાઈ શકે છે, અને તેઓ ઝડપથી તેનાથી ટેવાય છે. એઝોલ્લાનો ઉપયોગ વાગોળતાં પ્રાણીઓ, મરઘાં, ડુક્કર અને માછલી સહિતની ઘણી જાતો માટે બિનપરંપરાગત આહાર પૂરક તરીકે થઈ શકે છે. એઝોલ્લાની ખેતીની સરળતાને કારણે, અકાર્બનિક નાઇટ્રોજન ફળદ્રુપતા વિના વૃદ્ધિનો ઊંચો દર, જેને એક જળચર નિવાસ કે હાલના પાક અથવા કુદરતી પરિસ્થિતિવિજ્ઞાન પદ્ધતિના સ્થાનાંતરણની જરૂર નથી તથા ઉચ્ચ ઉત્પાદકતા અને સારા પોષક મૂલ્ય લાભકારી ઘાસચારાના પૂરક તરીકે તેના ઉપયોગને મજબૂત રીતે ટેકો આપે છે.

એઝોલ્લાને પશુધન આહાર તરીકે રજૂ કરતી વખતે, તાજી એઝોલ્લાને પશુધનને ખવડાવવા ૧.૧ ના દરે કમર્શિયલ ખોરાક સાથે મિશ્રિત કરવી જોઈએ. દાણમિશ્રિત એઝોલ્લાને એક પખવાડિયા સુધી ખવડાવ્યા પછી, પશુધનને દાણ ઉમેર્યા વિનાનું એઝોલ્લા ખવડાવી શકાય છે.

કુદરતી સંસાધન વિકાસ પ્રોજેક્ટ (NARDEP), વિવેકાનંદ કેન્દ્ર, તામિલનાડુ અને કેરળમાં એઝોલ્લાનો ઉપયોગ આહાર અવેજી તરીકે કરે છે. દુધાળ પશુઓ પરના અજમાયશમાં દૂધના ઉત્પાદનમાં આશરે ૧૫ ટકાનો વધારો થયો છે જ્યારે દરરોજ ૧.૫-૨ કિલો એઝોલ્લા નિયમિત ખોરાક સાથે આપવામાં આવતું હતું. આગળ, ઉત્પાદિત દૂધના જથ્થામાં વધારો એ ફક્ત એઝોલ્લાની પોષક તત્ત્વોના આધારે કરેલી અપેક્ષા કરતાં વધારે હતો. તેથી, એવું માનવામાં આવે છે કે તે માત્ર પોષક તત્ત્વો જ નહીં પરંતુ અન્ય ઘટકો પણ ધરાવે છે, જેમ કે દૂધના ઉત્પાદનમાં એકંદર વધારો કરવામાં ફાળો આપે છે.

મરઘાંને એઝોલ્લા ખવડાવવાથી બ્રોઇલર મરઘાંનું વજન સુધરે છે અને લેયરમાં ઇંડાનું ઉત્પાદન વધે છે. એઝોલ્લા ઘેટાં, બકરા, ડુક્કર અને સસલાઓને પણ ખવડાવી શકાય છે.  ચીનમાં, ડાંગર અને માછલીની સાથે એઝોલ્લાના વાવેતરથી, ચોખાના ઉત્પાદનમાં ૨૦ ટકાનો અને માછલીના ઉત્પાદનમાં ૩૦ ટકાનો વધારો થયો હોવાનું કહેવાય છે. તેમના ખોરાકના અજમાયશોએ બતાવ્યું કે ૨૦-૨૫ ટકા કમર્શિયલ ખોરાક તેને નવી તાજી એઝોલ્લા સાથે પૂરક દ્વારા બદલી શકાય છે, મરઘાંમાં એઝોલ્લાના ખોરાકના ઉમેરા સાથે વિવિધ પ્રકારના ફાયદાઓ પણ છે.

નિષ્કર્ષ

ઉચ્ચ પોષણ મૂલ્ય, ઝડપી વૃદ્ધિ અને ઉત્પાદનની ઓછી કિંમત એઝોલ્લાને લોકપ્રિય પસંદગી અને ગાય, માછલી, ડુક્કર અને મરઘાં માટે એક આદર્શ આહાર બનાવે છે. તે ભીના પ્રદેશોની ડાંગર માટે જૈવિક-ખાતર તરીકે પણ વાપરી શકાય છે. તે ચીન, વિયેતનામ અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે, પરંતુ ભારતમાં પણ હજી તે મોટા પ્રમાણમાં લઈ શકાય છે. તાજેતરમાં, કેરળ અને તમિલનાડુમાં દુધાળ પશુઓના ખેડુતોએ ઓછી કિંમતમાં એઝોલ્લા ઉત્પાદન તકનીક વાપરવાનું શરૂ કર્યું છે. દુધાળ પશુઓના ખેડુતો, ખાસ કરીને, જેમની પાસે આવતા વર્ષોમાં ઘાસચારાના ઉત્પાદન માટે બહુ ઓછી જમીન છે, તેઓ દ્વારા એઝોલ્લા તકનીકનો વધુ વ્યાપક ઉપયોગ કરવામાં આવી શકે છે. સંદર્ભ:૧. પી. કમલાસનન પિલ્લઇ, એસ. પ્રેમાલથા, એસ. રાજામોની. (૨૦૦૨). એઝોલ્લા- પશુધન માટે ટકાઉ આહાર અવેજી. લેઈસા ભારત, ભાગ ૪ નંબર ૧, માર્ચ ૨૦૦૨.૨. કે. ગિરિધર, એ. વી. ઇલાંગોવાન, પી. ખાંડેકર, શારંગૌડા અને કે. ટી. સંપથ (૨૦૧૨). પશુધન માટે પોષક ખોરાકના પૂરક તરીકે એઝોલ્લાની ખેતી અને તેના ઉપયોગ. ભારતીય ખેતી ૬૨(૨): ૨૦-૨૨, મે ૨૦૧૨.


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત