કૃત્રિમ બીજદાનનું પશુ વિકાસ કાર્યમાં મહત્વ

દેશી ગાયની ઓલાદના સુધારણા માટે પશુસંવર્ધનમાં કૃત્રિમ બીજદાનનું ખૂબ જ મહત્વ છે જે ધ્યાનમા લઈને દરેક રાજયોમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર થીજવેલ વીર્યથી કૃત્રિમ બીજદાન કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ગુજરાત રાજયમાં ખાતા મારફતે ગ્રામ્ય કક્ષાએ નજીકની પશુ સુધારણા કાર્યક્રમ કેન્દ્રો તથા સહકારી ડેરીઓ દ્વારા કૃત્રિમ બીજદાનની સગવડ ઊભી કરવામાં આવેલ છે. આ કૃત્રિમ બીજદાન યોજનાને સફળ બનાવવા કેન્દ્ર ઉપરના કર્મચારીઓએ ગામના પશુપાલકોના પ્રજનન યોગ્ય પશુઓ વિષેની જાણકારી મેળવી તેની નોંધ રાખવી જરૂરી છે. જેનાથી એ સ્પષ્ટ થઈ જશે કે કયા પશુપાલક પાસે કેટલા પ્રજનન યોગ્ય પશુઓ છે તેમાંથી કેટલા ગાભણ છે અને કેટલા ખાલી છે.

ઓલાદ સુધારણામાં કૃત્રિમ બીજદાનનું મહત્વ

પશુધન એ આપણાં દેશની ગ્રામીણ અર્થ વ્યવસ્થા તથા કૃષિનો મુખ્ય આધાર છે. પશુઓ માથી વધુમાં વધુ આર્થિક લાભ મેળવવો એ એની ઓલાદ, જાતિ તથા તેની મૂળ આનુવંશિક ક્ષમતા ઉપર આધાર રાખે છે. જેના કારણે પશુ વિકાસમાં ઓલાદ સુધારણા કરીને ખાસ પ્રાથમિક્તા આપવામાં આવે છે. જેનાથી પશુઓની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થાય અને તેનાથી વધુ લાભ મેળવી શકાય છે. જે કૃત્રિમ બીજદાનથી સારી રીતે શક્ય બને છે.

ઉત્તમ પશુ પ્રજનન કેવી રીતે શક્ય છે?

શુદ્ધ ઓલાદના ઊંચી ઉત્પાદન ક્ષમતા ધરાવતા પસંદ કરેલ સાંઢ-પાડાથી પેદા થયેલ વાછરડી-પાડીમાં અધિક ઉત્પાદન ક્ષમતા હોય છે. જેથી સતત પશુ વિકાસ માટે હંમેશા ઉત્તમ ઓલાદના ઉચ્ચ કોટિના સાંઢથી જ પ્રજનન કરાવવું જરૂરી છે, જેના કારણે ઉચ્ચ કોટિના પસંદ કરેલ કિંમતી સાંઢ/પાડાની દેખભાળ તથા પાલનપોષણની જવાબદારી સરકારે લીધી છે અને આ ઉચ્ચ કોટિના સાંઢ/પાડા દ્વારા ઉત્પન્ન કરેલ વીર્યથી ગાય/ભેંસમાં પ્રજનન માટે કૃત્રિમ બીજદાનની યોજના અમલમાં મુકેલ છે.

ઉત્તમ પશુ પ્રજનન માટે કૃત્રિમ બીજદાન પદ્ધતિને શા માટે અપનાવવામાં આવેલ છે?

કૃત્રિમ બીજદાન દ્વારા પશુઓને ગર્ભાધાન કરાવવા માટે ઓછી સંખ્યામાં સાંઢ/પાડાની જરૂરિયાત રહે છે. ઉચ્ચ ઓલાદના ઉચ્ચ કોટિના સાંઢ/પાડાને પસંદ કરી ગાય/ભેંસમાં કૃત્રિમ બીજદાન કરી હજારોની સંખ્યામાં બચ્ચા પેદા કરી શકાય છે. જેના કારણે કૃત્રિમ બીજદાનને પશુ વિકાસનો મુખ્ય આધાર તથા પશુ વિકાસની ચાવી ગણવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં આ પદ્ધતિથી જ પશુ વિકાસ કરવામાં આવે છે.

શું સાંઢ/પાડાની કુદરતી સેવાથી મોટા પાયા ઉપર પશુવિકાસ સંભવ છે? 

કુદરતી સેવાથી એક સાંઢ/પાડા દ્વારા એક વર્ષમાં ૧૦૦ થી ૧૨૦ પશુઓમાં પ્રજનન સંભવ થઈ શકે, જેના કારણે કુદરતી સેવાથી પ્રજનન કરાવવા માટે ઘણી સંખ્યામાં સાંઢ/પાડાની જરૂરિયાત રહે છે. તદુપરાંત આ બધા સાંઢ/પાડા ઉચ્ચ કોટિના ઉપલબ્ધ થઈ શકતા નથી. જેના કારણે તેનાથી ઉત્પન્ન થયેલ બચ્ચા બધા જ ઉચ્ચ કોટિના હોતા નથી. જો આજ સાંઢ/પાડાથી ઉચ્ચ કોટિના સાંઢ/પાડા પસંદ કરી કૃત્રિમ બીજદાન પદ્ધ્દ્તિથી પ્રજનન કરાવવામાં આવે તો ઉચ્ચ કોટિના હજારોની સંખ્યામાં બચ્ચા પેદા કરી શકાય છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે કુદરતી સેવાથી મોટા પાયા ઉપર ટૂંકા સમયગાળામાં પશુ વિકાસ સંભવ નથી જે કૃત્રિમ બીજદાનથી સંભવ છે.

થીજવેલ વીર્યનું પશુવિકાસમાં મહત્વ

  • થીજવેલ વીર્ય ૧૦ થી ૧૫ વર્ષ સુધી પ્રવાહી નત્રવાયુમાં સુરક્ષિત રાખી શકાય છે જેથી જે તે સાંઢ/પાડા પાસેથી મેળવેલ વીર્યનો ૧૦૦ ટકા ઉપયોગ થઈ શકે છે.
  • થીજવેલ વીર્યની મોટાલિટી લગભગ એકસરખી રહે છે. પ્રવાહી વીર્યની જેમ દિન પ્રતિદિન તેની મોટાલિટીમાં પરિવર્તન થતું નથી, જેથી ગર્ભાધાનની સફળતા પણ એક સમાન રહે છે.
  • થીજવેલ વીર્યના ઉપયોગથી સાંઢ/પાડાનું પ્રોજેનિટેસ્ટીંગ થઈ શકે છે જે પશુ વિકાસમાં થીજવેલ વીર્યનું મહત્વપૂર્ણ યોગદાન છે.
  • દેશ પરદેશમાંથી જે ઉચ્ચ કોટિના સાંઢ ઉપલબ્ધ થઈ શકતા નથી તેવા સાંઢનું થીજવેલ વીર્ય પ્રાપ્ત કરી શકાય છે.
  • સાંઢ બીમાર થવાથી અગર મરણ થયા બાદ પણ તેનું અગાઉથી એકત્રિત કરેલ થીજવેલ વીર્યથી પ્રજનન કારી ચાલુ રાખી શકાય છે.

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત