સ્વચ્છ અને ગુણવત્તાસભર દૂધ ઉત્પાદન મેળવવા માટે શું કાળજી લેશો?
સ્વચ્છ અને ગુણવત્તાસભર દૂધ મેળવવા ઉત્પાદકોએ જરૂરી કાળજી લેવી જરૂરી છે. દૂધ ઉત્પાદકે દૂધાળા જાનવરની પસંદગીથી માંડીને દૂધ મંડળી ઉપર વહેલી તકે પહોચી જાય ત્યાં સુધી દરેક સ્તરે કાળજી રાખવી જોઈએ. સૂક્ષ્મજીવાણુંઓ વાતાવરણમાં દરેક જગ્યાએ રહેલા હોય છે. દૂધમાં તેઓની હાજરી સંપૂર્ણપણે નિવારી શકાતી નથી, પરંતુ તેને નિયંત્રિત જરૂર કરી શકાય છે.
પશુના આંચળ, બાવલું, શરીરની ચામડી, વાળ, મળ, મૂત્ર, માટી, પાણી, હવા, ગંદા વાસણો, પશુઆહાર, દોહનારના ગંદા હાથ વગેરે દૂધમાં જીવાણુંઓના પ્રવેશના માધ્યમો છે, જેમાં લાખો-કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે. આ સૂક્ષ્મ જીવાણુંઓ નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ દૂધમાં પ્રવેશતા સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યા પર કાબૂ રાખી શકાય છે.
- દૂધાળું જાનવર નીરોગી હોવું જોઈએ અને જો તે માંદું પડે તો પશુચિકિત્સકની સલાહ પ્રમાણે દવા કરાવી જોઈએ તેમજ યોગ્ય સમયે રસીકરણ કરાવવું જોઈએ.
- પશુની માવજત કરનાર માણસોની તંદુરસ્તી અને ચોખ્ખાઈ પણ જરૂરી છે. દૂધ દોહનાર વ્યક્તિ નીરોગી અને સ્વચ્છ કપડાં પહેરેલ હોવા જોઈએ. વાળ ઓળાયેલા અને ઢાંકેલા રાખવા જોઈએ, હાથના નખ ચોખ્ખા અને કાપેલાં હોવા જોઈએ, જેથી આંચળને ઇજા ન થાય અને નખનો મેલ દૂધને દૂષિત ન કરે. દૂધ દોહનારે દોહતાં પહેલાં પોતાના હાથ સાબુથી ધોવા જોઈએ.
- જે પશુઓને ચેપી રોગ તેમજ આઉમાં રોગ હોય તેવા પશુઓને નીરોગી પશુઓથી અલગ જગ્યાએ રાખવા જોઈએ અને પશુચિકિત્સકની સલાહ પ્રમાણે દવા કરાવી જોઈએ.
- પશુઓનું રહેઠાણ તડકો, ઠંડી, ગરમ અને વરસાદથી રક્ષણ આપે તેવું, સ્વચ્છ, હવા-ઉજાસવાળું, ભેજ તથા દુર્ગંધરહિત અને આરામદાયક હોવું જોઈએ.
- પશુને હરવા-ફરવા પૂરતી જગ્યા હોવી જોઈએ.
- ઘાસચારા માટે યોગ્ય ગમાણ હોવી જોઈએ.
- કોઢ-તબેલામાં છાણ-મૂત્રના નિકાલ માટે સામાન્ય ઢાળ તેમજ પાછળ ગટરની વ્યવસ્થા જરૂરી છે.
- રહેઠાણમાં તિરાડ પડી હોય તો તેમાં જૂ, ઇતરડી ભરાઈ રહે છે તેથી તિરાડ પૂરી દેવી જોઈએ.
- ગમાણ નજીક ચોખ્ખા પાણીની કુંડી બનાવવાથી પશુને જોઈએ તેટલું અને ગમે ત્યારે પાણી મળી શકે.
- દૂધાળા જાનવરને પૌષ્ટિક આહાર યોગ્ય પ્રમાણમાં આપતા રહેવું જોઈએ. જાનવરને ભેજમાં સંગ્રહાયેલું ફૂગજન્ય દાણ ના ખવડાવવું જોઈએ. આવા ખોરાકમાં ફૂગ દ્વારા વિષ ઉત્પન્ન થયેલ હોય છે, જે દૂધમાં આવી શકે છે અને જાનવરને બિમાર પણ કરી શકે છે.
- દૂધના સંપર્કમાં આવતા વાસણો કાટવાળા, ગોબાવાળા ન હોવા જોઈએ તથા વાસણોમાં તિરાડો, ફાટ અથવા ખૂણા-ખાંચા ન હોવા જોઈએ, જેથી વાસણોને સહેલાઇથી સાફ કરી શકાય.
- શક્ય હોય ત્યાં સુધી સ્ટેઇનલેસ સ્ટીલના વાસણો ઉત્તમ છે.
- વાસણો વાપરતાં પહેલાં તેમજ ઉપયોગ કર્યા પછી તુરંત જ સ્વચ્છ, હૂંફાળા પાણીથી બ્રશ વડે સાફ કરવા જોઈએ. વાસણોમાંથી પાણી પૂરેપુરું નિતરી જાય તે માટે ઊંધા રાખવા જોઈએ.
- દૂધ દોહવાના અડધા કલાક પહેલાં જ કોઢની સફાઈ કરી લેવી જોઈએ.
- દૂધ દોહવાના તુરંત પહેલાં સાવરણાથી સફાઈ ન કરવી, કારણકે તેનાથી ધૂળના રજકણો હવામાં ઊડે છે, જે દૂધને દૂષિત કરે છે.
- પશુના વિયાણ પછીનું ૪-૫ દિવસનું ખીરું-કરાઠું દૂધ વાછરડાને પીવડાવવું, જેથી વાછરડાને પૂરતું પોષણ મળે છે. આવું દૂધ સારા દૂધ સાથે ભેળવવાથી ગરમ કરતી વખતે ફાટી જાય છે અને બધા દૂધને બગાડી નાખે છે.
- દૂધને દોહયા પછી તુરંત જ ત્યાંથી ખસેડી લો અને ઢાંકણ ઢાંકી દો અને સમયસર મંડળીમાં આપી દો. દૂધ મંડળીમાં સ્વચ્છ જથ્થા શીત ટાંકીમાં સંગ્રહ કરી ડેરી પ્લાંટમાં પહોંચાડી આપવું જોઈએ.