વાછરડા-પાડીયા ઉછેરમાં કરાઠા(કોલોસ્ટ્રમ)નું અગ્રિમ મહત્વ
કરાઠું શું છે?
બચ્ચાંના જન્મ બાદ તેની માતા(ગાય-ભેંસ)નું પ્રથમ દૂધ કરાઠું અથવા ખીરું (કોલોસ્ટ્રમ) કહેવાય છે. જે રંગે ઘટ્ટ પીળું તથા ચીકણું હોય છે. આ કરાઠું વિયાણ બાદ પ્રથમ 3 થી ૪ દિવસ ઉતપન્ન થાય છે તથા ત્યારબાદ ગાય-ભેંસ સામાન્ય દૂધ આપે છે.
કરાઠું શા માટે પીવડાવવું જોઈએ?
કરાઠામાં દૂધ કરતાં ૩ થી ૫ ગણું વધુ પ્રોટીન રહેલું છે. આ ઉપરાંત તાંબું, લોહતત્વ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેરોટિન, વિટામિન-એ અને વિટામિન-બી કોમ્પલેક્ષ પણ દૂધ કરતાં ઘણા વધુ હોવાથી વાછરડાં-પાડા ની વૃદ્ધિની સારી શરૂઆત કરવા અત્યંત જરૂરી છે.
કરાઠું રેચક છે, જેથી જન્મ સમયે વાછરડાંના આંતરડામાં ચોંટેલ પ્રથમ મળ કે જે કઠણ, વાસ મારતો, કાળો ચીકણો હોય છે, તેને નિકાલ કરવામાં ઉપયોગી થાય છે તથા ત્યારબાદ આંતરડું ચોખ્ખું થતાં પોષકતત્વો શોષાય છે.
કરાઠામાં ગામાગ્લોબ્યુલીન (ઇમ્યુનોગ્લોબ્યુલીન) પ્રકારનું પ્રોટીન રહેલું છે, જે નવજાત વાછરડા-પાડાને ગણા બધા જીવાણુજન્ય રોગો સામે તાત્કાલિક રક્ષણ-કવચ આપે છે.
કરાઠું કેટલું અને ક્યારે પીવડાવવું જોઈએ?
સામાન્ય રીતે જન્મનાં અડધો કલાકથી એક-દોઢ કલાકની અંદર જ કરાઠાનો પ્રથમ ડોઝ બચ્ચાને પીવડાવવો/ ધવડાવવો જરૂરી છે. તેની માત્રા ૫૦૦ મિ. લિ. થી ૧ લિટર જેટલી તો હોવી જોઈએ.
પ્રથમ ડોઝ આપ્યા બાદ ૨ લિટર જેટલું કરાઠું દિવસમાં બે વાર પાવવું જોઈએ. બીજી રીતે જોઈએ તો બચ્ચાંના વજનના ૧૦ ટકા જેટલું કરાઠું (૨-૩ લિટર) દિવસમાં બે-ત્રણ વખત પીવડાવવું જોઈએ.
પ્રથમ ડોઝ આપવાનો સમય અત્યંત અગત્યનો છે, કારણકે ત્યારબાદ આંતરડાના કોષોના સ્વરૂપમાં ફેરફાર થાય છે તથા રોગપ્રતિકારક દ્રવયોનું સીધેસીધું શોષણ થતું નથી તથા આ શોષણદરમાં સતત ઉતરોત્તર ઘટાડો થતો જાય છે. આથી બચ્ચાંને રક્ષક કવચ આપવા માટે પ્રથમ ડોઝ અડધાથી એક-દોઢ કલાકમાં અવશ્ય પાઈ દેવો જોઈએ.
કોઈ સંજોગોમાં કરાઠું પ્રાપ્ય ના થાય તો શું કરવું?
કેટલીક વખતે બચ્ચાંને જન્મ આપ્યા બાદ ગાય-ભેંસનું મૃત્યુ થતું હોય છે, તો કેટલીક વખતે પ્રથમ વિયાણવાળી ગાય-ભેંસ સહેલાઇથી પાનો મુકતી નથી, તો ઘણી વખત કરાઠાની માત્રા થોડીક જ પ્રાપ્ત થાય છે.
આવા સંજોગોમાં નવજાત બચ્ચાંને અન્ય કોઈ ગાય-ભેંસ કે જે બે-ત્રણ દિવસમાં જ વિયાયેલ હોય તેનું કરાઠું આપવું. જો આ પણ શક્ય ન બને તો સામાન્ય દૂધમાં ૨૦ મિ. લિ. માછલીનું તેલ (કોડલિવર ઓઇલ), ૬૦ મિ. લિ. દીવેલ તથા મરઘીના એક ઇંડાની સફેદી ભેળવી બચ્ચાંને પીવડાવવી જોઈએ.