આઉનો સોજો દુધાળ પશુઓમાં એક ગંભીર રોગ

આઉનો સોજો દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ પશુપાલકોને ખૂબ જ આર્થિક નુકસાન આપે છે. આંચળ તથા આઉના છિદ્રોનાં સંસર્ગમાં કોઈ પણ જાતના જીવાણુંઓ આવે અને તેના ઉપદ્રવ તથા ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ હોય ત્યારે દુગ્ધગ્રંથિમાં સોજો આવી દૂષિત દૂધ આવે છે, જેને દુગ્ધગ્રંથિનો સોજો કે આઉનો સોજો થયો છે તેમ કહેવાય છે. આ રોગ ગાય, ભેંસ, ઘેટી, બકરી, વગેરે સસ્તન પશુઓમાં જોવા મળે છે.

જવાબદાર કારણો:

  • આ રોગ જીવાણું, વિષાણુ તેમજ ફૂગથી થઈ શકે છે, જેમાં ખાસ કરીને સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફાયલોકોકસ, કોરીનેબેક્ટેરિયમ, કેન્ડીડા વગેરેનો સમાવેશ થાય છે.
  • રહેઠાણની ગંદકી.
  • અંગુઠાં વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત.

  • લાંબી લટકતી દુગ્ધગ્રંથિઓ.
  • આંચળ પરની ઇજા.
  • આંચળના સંકોચક સ્નાયુની શિથિલતા.
  • દૂધ દોહનારના હાથની અસ્વચ્છતા.
  • પશુની નબળી રોગપ્રતિકારક શક્તિ.
  • દૂધ દોહતાં પહેલાં દૂધની ધાર જમીન પર નાંખવાથી પણ રોગનો ફેલાવો થાય છે.

રોગના ચિન્હો:

  • આઉનો સોજો તીવ્ર, જીર્ણ અને અતિતીવ્રરૂપે જોવા મળે છે. રોગના લક્ષણોનો આધાર જીવાણુના પ્રકાર અને તેનાથી થતી અસર પર અવલંબે છે.
  • દુગ્ધગ્રંથિ પર એકાએક સોજો આવવો.
  • દૂધમાં ઘટાડો થવો.
  • દૂધમાં ફોદીઓ વધારે પ્રમાણમાં જણાય.


  • દૂધને બદલે પાણી જેવું ચીકણું પ્રવાહી અથવા પરુ નીકળે, ક્યારેક લોહી પણ નીકળે.
  • સોજાના કારણે પશુને દર્દ થાય, દૂધ દોહવામાં તકલીફ પડે.
  • પશુ ખોરાક ઓછો લે, તાવ આવે, આઉ અને આંચળ કઠણ થઈ જાય, ક્યારેક બેઉ આંચળ ઠંડા પણ જણાય છે.
  • આઉની ત્વચાનો રંગ ભૂરો-વાદળી જણાય અથવા ચામડી પર કાપા પડેલા પણ જણાય છે.

અટકાવવાનાં ઉપાયો:

  • ‘પાણી પહેલાં પાળ બાંધવી’ આ કહેવત અહીં લાગુ પડે છે, એટલે કે રોગ થાય ત્યારે સારવાર કરાવવી એના કરતાં એને અટકવવાનાં ઉપાયો કરવા જરૂરી છે.
  • પશુને બાંધવાની જગ્યા/ રહેઠાણ સાફ રાખવું જોઈએ.
  • આઉ/ આંચળને ઇજા ન થાય તેની કાળજી લેવી જોઈએ.
  • આંચળને દોહતા પહેલાં તેના પર ચોંટેલ છાણ/ માટી વગેરે ધોઈ નાંખવા જોઈએ.
  • આંચળ અને આઉને મંદ જંતુનાશક દવાવાળા પાણીથી સાફ કરી સ્વચ્છ કપડાં વડે કોરા કરી દોહવું જોઈએ.
  • દૂધ દોહનાર વ્યક્તિએ મોરથૂથું, પોટેશિયમ પરમેંગેનેટ કે સેવાલોનથી હાથ સાફ કરીને દૂધ દોહવું જોઈએ.
  • દૂધ દોહવામાં નિપુણતા કેળવવી જરૂરી છે.
  • ખરાબ દૂધ ભોયતળિયા પર ન નાંખતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.
  • રોગવાળા જાનવરને છેલ્લે દોહવું જોઈએ અને તે દૂધને વપરાશમાં ન લેવું જોઈએ.
  • દૂધ દોહયા પછી આંચળને મંદ જંતુનાશક દવાવાળા પાણીમાં ડૂબાડવા જોઈએ.
  • જ્યાં મશીનથી જાનવરોને દોહવામાં આવતા હોય ત્યાં મશીનની સાફસફાઇ તથા યોગ્ય રીતે તેનો ઉપયોગ થાય તે જોવું જરૂરી છે.

  • આંચળમાં વસુકાતા પહેલાં દવા ચઢાવવી જોઈએ, જેથી વસુકાયેલા કાળ દરમિયાન ચેપ લાગતો નથી.

            આમ, રોગ પ્રત્યે પશુપાલકોએ જાગૃત થવું ખૂબ જરૂરી છે, જેથી દૂધ ઉત્પાદન વધારી આર્થિક રીતે સધ્ધર થઈ શકાય છે.

Dr. Tanvi Soni

M. V. Sc.,
Veterinary Officer,
Banaskantha, Gujarat.