મિલ્ક ફિવર માં સમજપૂર્વક ઉપચાર કરવા

ગાયોમાં પ્રસવ પક્ષાઘાત કે લકવા (મિલ્ક ફિવર) એટલે શું?

પ્રસવ પક્ષાઘાત (મિલ્ક ફિવર) ગાયનાં વિયાણ સાથે જોડાયેલો છે. આ વ્યાધિ કૅલ્શિયમની ઊણપથી થતી નથી. પરંતુ હંગામી ધોરણે થાય છે. જયારે પશુના શરીરમાં ખીરુ(Colostrum) નું ઉત્પાદન કરવામાં વધારે કૅલ્શિયમ વપરાય છે. આ કૅલ્શિયમની પૂર્તતા શરીરનાં વિવિધ અવયવોમાંથી કરવામાં આવે છે. પરંતુ જો આ અવયવો કૅલ્શિયમની પૂર્તતા કરવામાં નિષ્ફળ થાય અને આ પ્રવાહી ઉદકને પરિણામે કૅલ્શિયમનું પ્રમાણ શરીરમાંથી ઓછું થવા લાગે તો પશુમાં રોગનાં વિશિષ્ટ લક્ષણો દેખાય છે. મોટા ભાગનાં પશુઓમાં (75%) આના લક્ષણો વિયાણનાં લગભગ 3 દિવસમાં દેખાવાની શરૂઆત થાય છે. (કેટલાક પશુઓમાં વિયાણનાં 24 થી 48 કલાક પહેલાં) લગભગ 10-15% કેસમાં વિયાણનાં 4 થી 7 દિવસ પછી અને 5% કેસમાં 8 થી 15 દિવસની વચ્ચે લક્ષણો દેખાય છે. બહુજ ઓછા કિસ્સામાં પ્રસવ લકવા (મિલ્ક ફિવર) વિયાણનાં 15 દિવસે દેખાય છે. આ રોગનાં નિદાનમાં વિયાણનો સમય બહું જ મહત્વનો છે. ભારતમાં પ્રસવ પક્ષાઘાત – લકવો (મિલ્ક ફિવર) ગાયો કરતાં ભેંસોમાં વધારે જોવાં મળે છે.

મિલ્ક ફિવર રોગનું નિદાન

પ્રસવ પક્ષાઘાતનાં (મિલ્ક ફિવર) લક્ષણો તરત નજરે આવે છે. એથી એનું નિદાન અઘરું નથી. આ લક્ષણો ત્રણ તબક્કામાં જોવા મળે છે.
પહેલાં તબક્કામાં સામાન્ય રીતે માંસપેશી ખેંચાય છે. તેમજ શરીરનું તાપમાન વધી જાય છે. બીજાં તબક્કામાં પશુ ઉભું થઈ શકતું નથી અને સતત બેસી રહે છે. જો કે શરીરનું તાપમાન ઓછું હોય છે પરંતુ માંસપેશીઓ ખેંચાય છે. હૃદયનું કાર્ય ધીમું થતાં કાન અને પગનો ભાગ ઠંડો લાગે છે. હૃદયનાં ધબકારાનો અવાજ ધીમો થઈ જાય છે. ત્રીજા તબક્કે પશુએના પડખે આડું પડેલું દેખાય, તાપમાન સામાન્ય કરતાં ઓછું જણાય, હૃદયનાં ધબકારા ઘીમાં થઈ જાય. પશુનાં મોંમાંથી ફીણ નીકળવા લાગે છે, જેથી ગળવામાં તકલીફ પડે છે. બદ્ધકોષ્ઠથી ચેહરો કઠણ થાય છે. આ લક્ષણો નજરે ચઢે છે જ્યારે આઉં દૂધથી ભરાઈ જાય અથવા પહેલી વાર દૂધ ધોવાય. ગાયોમાં ખીરાનું (Colostrum) સંશ્લેષણ વિયાણ પહેલાં જ થઈ જાય છે અને આઉં દૂધથી ભરાઈ જાય. આવી ગાયોમાં હાયપોકૅલસેમિયાનાં (Hypocalcaemia) લક્ષણો દેખાઈ શકે છે અને એનું એક મુખ્ય લક્ષણ છે ગર્ભાશયની જડતા (ગર્ભાશયનું સંકોચન થતું નથી).

મિલ્ક ફિવર ઉપચાર

આ રોગનાં ઉપચાર માટે સમયનું સૌથી મહત્વ છે. ગાયોમાં થતાં પ્રસવ પક્ષાઘાતને (મિલ્ક ફિવર) કટોકટીની અવસ્થા તરીકે ગણીને એનો ઉપચાર ચાલું કરવો હિતાવહ છે. જો સમયસર સારવાર ના થઇ તો પશુ એકદમ સુસ્ત બને છે. એક જ જગ્યાએ પડી રહેશે અને કૅલ્શિયમ આપ્યા પછી પણ માંસપેશીઓને નુકસાન થવાથી ઊભું થવામાં નિષ્ફળ થશે. કેટલાક પશુઓમાં પરિસ્થિતિ વધારે વણસી જાય જેને ડાઊનર્સ (Downer’s) કહેવાય છે. આ તબક્કે ઉપચાર અઘરાં થઈ જાય છે. સામાન્ય રીતે રોગનાં નિદાનનાં કલાકની અંદર સારવાર ચાલુ થવી આવશ્યક છે. જો બાટલો લગાવવાં ડૉક્ટર હાજર ના હોય તો પશુપાલકે જાતે જ માંસપેશીમાં કૅલ્શિયમનું ઇન્જેક્શન સંકલવેટ (Sancalvet) આપવું જોઈએ. પરિસ્થિતિ વણસે નહિ એ માટે સામાન્યતઃ કૅલ્શિયમ બોરોગ્લુકોનેટ (Calcium Borogluconate) ને નસમાં અપાય છે. આ દવાની તરત અસર થાય છે, અડધી માત્રા આપતા પશુ ઉભું થઈ જશે અને ખોરાક લેવાનું ચાલુ કરશે. કૅલ્શિયમ કેટલી માત્રામાં અને કેટલી વખત આપવું આ પ્રશ્નો ચર્ચાનો વિષય છે. મારા સ્વ-અનુભવથી કહું તો પહેલી પસંદગી કૅલ્શિયમ બોરોગ્લુકોનેટ (Calcium Borogluconate) આ દવા પર ઉતરશે. 300-400 મિ.લી. નસમાં ધીમે-ધીમે એટલે 30-45 મિનિટમાં પહુંચે એ રીતે આપવી. સોયથી ધીમે-ધીમે આપવાથી હૃદયની તકલીફ ઉભી થતી નથી. ઝડપથી કૅલ્શિયમ આપવામાં આવે તો હૃદયની તકલીફ ઉભી થઈ શકે છે. જેને નિવારવા મેગ્નેશિયમ સલ્ફેટને (Magnesium Sulphate) નસો દ્વારા અપાય છે.

 

જો અડધી માત્રામાં જ પશુ પર અનુકૂળ પરિણામ દેખાય તો હું નસોમાં અપાઈ રહેલ દવા બંધ કરું છું અને એની જગ્યાએ ચામડીની નીચે ઇન્જેક્શન આપવાનું પસંદ કરું છું. નસોમાં અપાતું ઘણું ખરું કૅલ્શિયમ મૂત્રદ્વારે શરીરની બહાર નીકળી જાય છે. કેટલાક પશુઓમાં જોવા મળ્યું છે કે નસોમાં કૅલ્શિયમનું ઈન્જેકશન આપ્યા પછી પણ લોહીમાં કૅલ્શિયમની માત્રા નીચી રહે છે. પરંતુ આ ઇન્જેક્શન આપ્યા પછી શરીરમાં કૅલ્શિયમ ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થાય છે. ચામડીની નીચે અપાતાં ઇન્જેક્શનથી લોહીમાં કૅલ્શિયમ શોષવાની ક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે. આથી પશુમાં આ રોગ ઉલથો મારવાની શક્યતા ઓછી થઇ જાય છે. આ રોગ માટે બજારમાં બીજી એક દવા ઉપલબ્ધ છે, જેમાં કૅલ્શિયમ, ફોસ્ફોરસ અને ગ્લુકોઝ છે. રોગ કયા તબક્કે છે એના પર કઈ દવા પશુને આપવી એ નક્કી કરવામાં આવે છે.
જયારે રોગ ત્રીજા તબક્કામાં હોય છે, એટલે પશુ આડું પડેલું હોય (હલાવામાં આવે તો પણ કોઈજ પ્રતિક્રિયા આપતું નથી) અને શરીરની માંસપેશીઓ ખેંચાય છે, ત્યારે હું કૅલ્શિયમ સાથે મેગ્નેશિયમ અને ફોસ્ફોરસનાં ઈન્જેકશનનો અડધો ભાગ નસોમાં અને બાકીનો અડધો ભાગ ચામડીની નીચે આપવાનું પસંદ કરું છુ. જો કોઈ પશુ કૅલ્શિયમ બોરોગ્લુકોનેટને સારો પ્રતિસાદ આપે પરંતુ 12 થી 24 કલાકનાં ગાળામાં રોગ ઉલથો મારે તો કૅલ્શિયમ સાથે મેગ્નેશિયમ અને ફોસ્ફોરસ આપવું હિતાવહ છે. શરીરમાં કૅલ્શિયમ ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ રહે એ માટે ડિકાશનિક (dicationic) અથવા કૉલોઈડલ કૅલ્શિયમ (colloidal calcium) ઇન્જેક્શન આપું છું જેથી આ ક્રિયા ચાલુ રહે. સતત કૅલ્શિયમના ઇન્જેક્શન આપવા એ તર્કસંગત નથી પરંતુ સાધનોંનો અપવ્યય છે. કોઈપણ પશુની સ્થિતિ બીજું ઇન્જેક્શન આપ્યા પછી સ્થિર થાય છે. વિટામીન D3 ના ઇન્જેક્શન આપ્યા પછી મને પ્રસવ પક્ષાઘાતમાં (મિલ્ક ફિવર) સારા પરિણામ જોવા મળ્યા છે. હાઇપો-કૅલસેમિક (Hypocalcaemic) ગાયોમાં વિયાણ પછી તરત જ કૅલ્શિયમ આપવામાં આવે તો ગર્ભાશયનું સંકોચન જોવા મળે છે.
પશુઓમાં કૅલ્શિયમનાં ઇન્જેક્શનનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થતો જોવા મળે છે. કૅલ્શિયમનાં ઇન્જેક્શનનો ઉપયોગ ગાયોમાં દુધ ઉત્પાદન વધારવામાં કરવો યોગ્ય નથી. અમુક એક સંજો ગો માં જ એવો ઉપયોગ કરાય.

મિલ્ક ફિવર થી ગાયોને કેવી રીતે બચાવી શકાય?

સામાન્ય સંજોગોમાં જોવા મળ્યું છે કે એકજ પશુમાં પહેલા વિયાણ બાદ જોવા મળતો પ્રસવ પક્ષાઘાત (મિલ્ક ફિવર) બીજા કે ત્રીજા વખતનાં વિયાણ બાદ પણ જોવા મળે છે. મોટી ગૌશાળામાં પ્રસવ લકવાનું (મિલ્ક ફિવર) પ્રમાણ વર્ષે 2% થી વધું દેખાય તો એનાં માટે બચાવનાં ઉપાય કરવાં આવશ્યક છે. તત્કાળ ઉપાય તરીકે ભલામણ કરી શકાય કે સુકા દિવસોમાં ગાય / ભેંસને વિશેષ પ્રકારનું ખનિજ અને ઓછા ક્ષાર મિશ્રિત ખાણદાણ આપવું. પરંતુ વિયાણ પછી ક્ષારનું પ્રમાણ વધારી દેવું ચયાપચય પ્રક્રિયાને લગતા રોગો અને પ્રસવ લકવાથી (મિલ્ક ફિવર) પીડાતા પશુઓની સંખ્યાને ઓછી કરવા બજારમાં ઉપલબ્ધ બાયોકલોર (Biochlor) ફાયદાકારક પુરવાર થયું છે.
એક મુખ્ય નિયમ યાદ રાખો કે સુકા દિવસોમાં પશુને દુધાળા પશુ માટેનું ખનિજયુક્ત ખાણદાણ આપવું નહિ અને દુધાળા પશુને સુકા પશુ માટેનું ઓછા ખનિજયુક્ત ખાણદાણ આપવું નહિ.


ડૉ અબ્દુલ સમદ

એમ. વી. એસ. સી. , પીએચ. ડી. (કૅનેડા)
પશુપાલન તજ્ઞ