પશુ દૂધ દોહનની પદ્ધતિ કેવી હોવી જોઈએ?
પશુપાલન વ્યવસાયમાં આવકનું મુખ્ય સાધન દૂધ ઉત્પાદન હોઈ સ્વચ્છ અને સંપૂર્ણ દોહન દ્વારા ટીપેટીપું દૂધ મેળવી લેવું જરૂરી છે.
- દુધદોહન પુરા હાથથી કરવું જરૂરી છે. અંગુઠા દ્વારા કરવામાં આવતા દોહનમાં ક્યારેક પશુને ઈજા થવાનો ખતરો રહે છે.
- દુધદોહન પહેલા અને પછી જંતુનાશક પ્રવાહીથી આંચળને સાફ કરવાથી બાવલા/આઉનો રોગ થતો નથી.
- દોહન નિયમિત ૧૨-૧૩ કલાકના અંતરે થવું જોઈએ.
- દોહન વેળા ઘોંઘાટ, કુતરાનું ભસવું કે મુલાકાતીઓની હાજરી પશુને તણાવ ઊભો કરે છે તથા પાનો મુકવાની ક્રિયામાં અવરોધ ઊભો થતા દોહન કરવું કઠીન બની જાય છે. આથી દોહન સમયે વાતાવરણ શાંત રાખી ૬ થી ૮ મિનીટમાં દોહન પૂરું કરવું જોઈએ.
- પશુ ને દોહતી વેળાએ ટોપલો એટલે કે દાણ નાખવું એ ઉત્તમ પદ્ધતિ છે.
- વધુ દૂધ ઉત્પાદનવાળી ગાયો-ભેંસોને (૧૫ થી ૨૦ લિટર દૈનિક) માટે દુધ દોહન યાંત્રિક મશીનનો ઉપયોગ કરી શકાય અથવા બે દોહનાર બંને બાજુથી એકસાથે દોહન કરે તેવું ગોઠવવું જોઈએ.
- દોહન પછી દુધને ઠંડી જગ્યાએ રાખવું તથા સમય બગાડયા વિના દૂધ મંડળીમાં પહોંચતું કરવું જોઈએ.
- વિયાણ પછી સરેરાશ ૧૦-૧૧ મહિના દૂધ દોહન કરી પશુને યોગ્ય પદ્ધતિથી વાસુકાવવું. આ દરમિયાન પશુ ૬-૭ માસનું ગાભણ થયેલું હોય તેવી રીતે સંવર્ધન કરવું.
- વધુમાં પશુંઓને દોહ્યા બાદ તુરંત ચાર નિરવી જોઈએ, જેથી વધુ સમય પશુ ઊભું રહે જેથી આંચળના ખુલ્લા છીદ્રો બંધ થઇ જાય અને આથી બાવલાનો રોગ થતો અટકાવી શકાય.