ઋતુકાળ એટલે શું અને તેને કઈ રીતે ઓળખી શકાય?

પ્રજનન તંત્રની દેહધાર્મિક ક્રિયાઓ અમુક ચોક્કસ સમયગાળે થતી હોય છે બાકીના સમયમાં પ્રજનન અવયવો આરામમાં હોય છે. સંવર્ધન કાળ દરમ્યાન માદામાં આમ ચોક્કસ સમયાંતરે જાતિય ક્રિયાઓ થાય છે, જે દરેક ગાળામાં થતી ક્રિયાઓને વેતર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. વેતર ચક્રના ચાર ભાગ પડી શકાય.

  1.  વેતર વિનાનો અથવા આરામનો કાળ: આ સમયગાળો ગ્રાફિયન પુટીકાઓને લાગે વળગે છે ત્યાં સુધી અંડપિંડ નિષ્ક્રિય હોય છે.
  2.  પૂર્વ વેતરકાળ: જે ગાળામાં અંડપિંડની વૃદ્ધિ થાય છે અને તે ક્રિયાશીલ બને છે.
  3.  વેતરકાળ અથવા ઋતુકાળ: જે કાળ દરમ્યાન સંભોગ થાય તો ફલીકરણ થઈ શકે છે.
  4. ગર્ભાવસ્થા કાળ: જે કાળ દરમ્યાન ફલીકરણ થઈ ગર્ભ રહ્યો હોય તો ગર્ભનો વિકાસ થાય છે.

જો ગર્ભાધાન ન થયું હોય તો વેતર ચક્રનું પુનરાવર્તન થાય છે અને માદા ફરીથી ગરમીમાં અથવા વેતરે આવે છે. ગાયનું વેતરચક્ર ૧૯ થી ૨૧ દિવસનું હોય છે એટલેકે ગાય ૧૯ થી ૨૧ દિવસે ગરમીમાં આવે છે અને ૧૨ થી ૨૪ કલાક સુધી ગરમીમાં રહે છે જેને વેતરકાળ અથવા ઋતુકાળ તરીકે ઓળખવામાં આવે છે.

ગાય ગરમીમાં આવવાના ચિન્હો

  • ગાયના યોનિમાર્ગમાંથી ચીકણું પારદર્શક પ્રવાહી એટલે કે લાળી પડે છે, ઘણા જાનવરમાં લાળી તેના વિકાસને કારણે યોનિદ્વારમાંથી લટકતી દૂરથી પણ જોઈ શકાય છે. પૂંછડી કે પગ પર પણ ચોંટેલી જોવા મળે છે.
  • ગાય ભાંભરે કે રણકે છે અને વારંવાર થોડો થોડો પેશાબ કરે છે.
  • દૂધ ઉત્પાદન કામચલાઉ ઘટે છે.
  • બીજા પશુઓ ઉપર ઠેકવાનો પ્રયત્ન કરે છે અથવા બીજા પશુઓને પોતાના પર ઠેકવા ડે છે. ખાસ કરીને
  • ગરમીના મધ્ય ભાગથી અંત ભાગ સુધીમાં ગાયોમાં આવું વધારે જોવા મળે છે આ સમય ગાય ફેળવવા માટે ઉત્તમ ગણાય છે.
  • ગાય અશાંત અને ઉશ્કેરાયેલ દેખાય છે. ખાવાનું અને વાગોળવાનું ઓછું કરે છે.
  • પૂંછડી ઊંચી રાખે છે અને સાંઢની સોબત શોધે છે.
  • યોનિદ્વાર ફુલેલ જણાય છે તથા અંદરની ત્વચા વધારે પડતી લાલ દેખાય છે.

ઉપરોક્ત ચિન્હો પૈકી એક અથવા વધુ ચિન્હો પરથી ગાયના ઋતુકાળનો ખ્યાલ આવી શકે છે. બધી ગાયોમાં ઉપરોક્ત બધાં ચિન્હો જોવા મળે તે જરૂરી નથી. અનુભવને આધારે ઋતુમાં આવેલી ગાયના ઋતુકાળને તરત જ ઓળખી શકાય છે. યાદ રાખો કે એ ગાય ઋતુમાં આવી હશે તો જ સાંઢ તેની તરફ આકર્ષાશે અને સંભોગ કરશે, તેથી કૃત્રિમ વીર્યદાન પણ આવા સમયે જ કરવું જોઈએ.

ગાયમાં કૃત્રિમ વીર્યદાનમાં વીર્ય ક્યાં મૂકવું જોઈએ?

કૃત્રિમ વીર્યદાનમાં વીર્ય ગર્ભાશય ગ્રીવાની અંદર થોડે ઊંડે એટલે કે ગર્ભાશય ગ્રીવા માર્ગમાં મૂકવું જોઈએ. વીર્ય યોનિમાર્ગમાં મૂકવાને બદલે જો ગર્ભાશય ગ્રીવામાં મૂકવામાં આવે તો ગર્ભાધાન થવાનો દર ઘણો ઓઞ્ચો આવે છે. આમ થવાનું કારણ એ હોય શકે કે યોનિમાર્ગમાં મૂકેલા વીર્યને તેની મેળે ગર્ભાશયગ્રીવામાં દાખલ થતાં થોડી અડચણ આવે છે. જ્યારે ગર્ભાશય ગ્રીવામાં મૂકેલા વીર્યના શુકરકોષો, ગાયના જનનમાર્ગમાં સહેલાઇથી આગળ વધી શકે છે.

બીજી બાજુ ગર્ભાશય ગ્રીવાથી આગળ વધીને જો વીર્ય ગર્ભાશયમાં મૂકવામાં આવે તો પણ ગર્ભાધાન થવાના દરમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી પરંતુ તેમ કરવા જતાં ગર્ભાશયના અંદરના ભાગને ઈજા થવાનો ભય રહે છે. તેથી કૃત્રિમ વીર્યદાનમાં વીર્ય ગર્ભાશય કે યોનિમાર્ગમાં ન મૂકતાં ગર્ભાશયગ્રીવામાં મૂકવું જોઈએ.

સંદર્ભ

સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા- ભાગ: ૩


ડૉ. તન્વી સોની

પશુચિકિત્સક, ગુજરાત