લોહીમાં મેગ્નેશિયમની ઉણપથી થતી ધ્રુજારી અને ખેંચ
ખેડૂતો જેને સમજી શકતા નથી કે તેમનું તંદુરસ્ત અને સારું દૂધ આપતું જાનવર એકાએક ધ્રુજારી આવી, ખેંચાઈ જઈ મૃત્યુ કેમ પામ્યું તો પશુચિકિત્સકો જેને ઘણી વખત ઝેરી ઘાસચારો ખવાઈ ગયો છે કે હડકવા કહી નજર અંદાજ કરે છે, તેવો આ રોગ શરીરમાં એકાએક ઊભી થતી મેગ્નેશિયમની ઉણપથી થાય છે. જુદી જુદી ઉંમરના જાનવરોમાં મેગ્નેશિયમની ખામી જુદા જુદા કારણોથી ઉત્પન્ન થાય છે પરંતુ સ્નાયુઓની ખેંચ, ધ્રુજારી, તાણ, વધુ પડતી ચપળતા તથા ચાલવામાં અસંતુલન જેવા ચિન્હો બધામાં સામાન્ય હોય છે.
વિયાણ પછી જાનવરો વધારે પડતાં લીલા ઘાસચારા પર નભતા હોય અને ઊંચું દૂધ ઉત્પાદન આપતાં હોય ત્યારે દૂધમાં મેગ્નેશિયમના વહી જવાને કારણે દૂધાળ જાનવરોમાં ‘લેકટેશન ટીટેની’ ના નામે ઓળખાય છે. તાજા વાવેલા ઘાસચારાનો શરૂઆતનો વાઢ ખાવાથી મેગ્નેશિયમની ઉણપ થાય છે જેને ‘ગ્રાસ ટીટેની’ કહે છે. દૂધ સંપૂર્ણ ખોરાક ભલે કહેવાતું હોય પરંતુ તેમાં મેગ્નેશિયમ અને લોહતત્વનું પ્રમાણ ઓછું હોય છે. ઝડપથી ઉછરતાં વાછરડાં મેગ્નેશિયમની મહત્તમ ખામી બતાવે છે, જેથી માત્ર દૂધ પર નભતા વાછરડામાં આ તત્વોની ખામી ઊભી થવાની શક્યતાઓ વધુ હોવાથી તેને ‘મિલ્ક ટીટેની’ ના નામે ઓળખવામાં આવે છે. જ્યારે ગર્ભાવસ્થાના છેલ્લા માસમાં ગાય, ભેંસ કે ઘેટીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં આવે અને ૨૪ કલાક જેટલા સમય સુધી પાણી અને ખોરાકથી વંચિત રાખવામાં આવે ત્યારે ઊભી થતી મેગ્નેશિયમની ખામીને ‘ટ્રાન્સપોર્ટ ટીટેની’ પણ કહેવાય છે. શિયાળા દરમિયાન ઘાસનો વિકાસ ધીમો પડી જાય છે અને તેમાં મેગ્નેશિયમનું પ્રમાણ ઓછું હોય છે. આવા ચરિયાણ પર ચરતા જાનવરો મેગ્નેશિયમની ખેંચ અનુભવે છે જે ‘વિન્ટર ટીટેની’ કહેવાય છે.
પુખ્તાવસ્થાએ આંતરડામાંથી થતું મેગ્નેશિયમનું શોષણ ઉછરતી અવસ્થા કરતાં ઓછું હોય છે. એ ઉપરાંત હાડકાંમાંથી સ્થાનાંતરણ થઈ શકતા મેગ્નેશિયમનું પ્રમાણ પણ પુખ્ત ઉંમરે ઓછું હોય છે, જેને પરિણામે કોઈ પણ કારણસર ખોરાક બંધ થતાં કે શરીરમાં મેગ્નેશિયમના અપુરતાં પ્રમાણથી મેગ્નેશિયમની ખેંચ ઊભી થાય છે.
મેગ્નેશિયમની લોહીમાં ઉણપના ચિન્હો
તીવ્ર અવસ્થામાં અસર પામેલા જાનવર ચરતાં ચરતાં ઊભું રહી જાય છે તથા ચકોર બની આજુબાજુ જોવા માંડે છે. સ્નાયુઓ ખેંચાય છે, કાન ઉંચા થઈ જાય છે અને જરાપણ બોલાવતા કે અડતા ભડકે છે, ભાંભરે છે તથા ચાલવામાં અસંતુલન અનુભવે છે. એ પછી પડી ગયેલ જાનવરોના પગ બંને બાજુ ખેંચાય છે. આંખો ચકળવકળ ફરે છે, દાંત ચચરે છે તથા મોઢે ફીણ આવે છે. આશરે અડધાથી એક કલાકમાં જાનવર મૃત્યુ પામે છે.
મંદ અવસ્થામાં પશુ ખોરાક પ્રત્યે અરુચિ બતાવે છે અને રોગની શરૂઆત ધીમી હોય છે. વારંવાર ઝાડો તથા પેશાબ કરે છે. આગળના અને પાછળના પગની ધ્રુજારી દેખાય છે તથા એકાએક ખેંચ આવે છે.
સામાન્ય રીતે પ્રત્યેક ૧૦૦ મિલી લોહીમાં ૨ થી ૩ મી. ગ્રા. જેટલું મેગ્નેશિયમ હોય છે, જ્યારે આ પ્રમાણ ઘટીને ૧.૨૫ મી. ગ્રા. થાય ત્યારે રોગના ચિન્હો દેખાવા માંડે છે.
રોગને અટકાવવાના ઉપાયો
જમીન, વનસ્પતિ તથા પાચનની ક્રિયા જેવા પશુપાલકનાં હાથમાં ન હોય તેવા પરિબળોમાં કાઈ કરી શકાય નહીં પરંતુ ઉપર વર્ણવેલ ચિંન્હોની હાજરીમાં પશુચિકિત્સકની સલાહથી નીચે મુજબના ઉપાયો હાથ ધરી શકાય.
- પાણીમાં મેગ્નેશિયમ ઓકસાઈડ દૈનિક ૫૦૦ ગ્રામના દરે આપી શકાય અથવા તો મેગ્નેશિયમ સલ્ફેટ અને કેલ્શિયમ ડાયફોસ્ફેટ (બંને ૧૦ ભાગ) અને મીઠા (૮૦ ભાગ) સાથે મેળવી ચાટણ બનાવી શકાય.
- શિયાળા દરમ્યાન જાનવરોને ઠંડીથી રક્ષણ પૂરું પાડવું તથા લીલો અને સૂકો ઘાસચારો મિશ્ર આપવો.
- ઉછરતાં વાછરડાને ત્રણ માસથી સૂકો ઘાસચારો પણ શરૂ કરવો.
- જાનવરોને વાહનમાં અથવા ચાલતાં લાંબા અંતરે લઈ જવાના હોય ત્યારે વચ્ચે આરામ તથા ખોરાક પાણી પૂરા પાડવા. વાહનમાં હેરફેર કરવાની હોય ત્યારે વાહનમાં ચડાવતા પહેલા વધારે પડતું ખવડાવવું નહીં પણ યોગ્ય સમયાંતરે નિયમિત ખોરાક અને પાણી પુરાં પાડવાં.
- દૂધાળ જાનવરોને અરુચિ, અપચો ના થાય તે માટે ખોરાકમાં એકદમ ફેરફાર ના કરતાં ધીરે ધીરે ટેવ પાડવી.
- પાક કાપી લીધા પછી વધેલ ઘાસ કે શિયાળામાં ધીમી ગતિએ વધતાં ઘાસ/ ચરિયાણ પર જાનવરોને લાંબો સમય ચરવા મોકલવા નહીં. પોટેશિયમ અને નાઇટ્રેટ ખાતરોના ઉપયોગ સમયે ખાસ કાળજી રાખવી.
સંદર્ભ
સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા- ભાગ: ૩
ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત