પશુપાલનમાં પાણીની અગત્યતા
પશુઓમાં ખોરાકનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ પાણીનું પણ છે. ઉછરતા વાછરડા, વાછરડી તેમજ દૂધાળ ગાય કે ભેંસને સારો પૌષ્ટિક ખોરાક આપવામાં આવે પરંતુ જરૂરિયાત મુજબ સ્વચ્છ પાણી પૂરતું મળે નહીં તો જાનવરની પાચનક્રિયા ઉપર માઠી અસર જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને પાચનક્રિયાને લગતી તકલીફો જેવી કે આફરો, અપચો કે વાગોળવાની ક્રિયા મંદ પડતી અનુભવીએ છીએ. પાણી પશુઓ માટે ઘણું મહત્વનું છે કારણકે,
- પાણી શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.
- શરીરના અવયવોમાં થતી પાચનક્રિયામાં મદદ કરે છે.
- શરીરના જુદા જુદા ભાગોમાં પોષકતત્વોને તેની જરૂરિયાત મુજબ પહોચાડવામાં મદદ કરે છે.
- રુધિર પરિભ્રમણમાં મદદરૂપ થાય છે.
- શરીરમાં રહેલા સ્ત્રાવોનું વહન તથા પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
- શરીરનો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે.
પશુઓને તેમના કદ, વજન, દૂધ ઉત્પાદન, હવામાન, ખોરાક મુજબ પાણીની જરૂરિયાત રહે છે. ઉનાળામાં લીલો ઘાસચારો ઓછો મળે ત્યારે પશુઓને પીવાના પાણીની જરૂરિયાત વધુ રહે છે. સુકાચારા અને ખાણદાણમાં પાણીનું પ્રમાણ ૧૦ ટકા જેટલું એટલે કે નહિવત હોય છે, જેથી પાચનક્રિયા વધુ સારી રીતે થાય તે માટે પૂરતું સ્વચ્છ પાણી આપવું જોઈએ. પશુઓને ઉનાળામાં સ્વચ્છ અને ઠંડુ પાણી પાવું અને શિયાળામાં હુંફાળું પાણી પાવું જોઈએ. ગાય કે ભેંસને શરીરની સઘળી પ્રક્રિયાઓ ઉપરાંત દૂધ ઉત્પાદન માટે એક લિટર દૂધ ઉત્પાદન દીઠ બે લિટર જેટલું વધારાનું પાણી આપવું જરૂરી છે, નહીં તો સામાન્ય તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન ઉપર અસર જોવા મળે છે.
કેટલીક વાર વધુ પડતી ગરમીમાં ગાભણ ગાય કે ભેંસ તરવાઈ જવાના પ્રસંગો પણ બને છે. આ બધી મુશ્કેલીઓ નિવારવા પશુઓને પૂરતું પાણી જોઈએ ત્યારે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વાતાવરણની અનુકૂળતા અને ઠંડી પ્રમાણે પશુઓ ઓછું વત્તું પાણી પીવે છે.
દૂધાળ ગાય કે ભેંસને જેમ વધુ વખત પાણી આપવામાં આવે તેમ દરેક વખતે ઓછું પાણી પીવે છે, પરંતુ આખા દિવસનું મળી જોઈતું પાણી પીવે છે. પૂરતું સ્વચ્છ પાણી આપવાથી દૂધાળ ગાય-ભેંસના દૂધ ઉત્પાદનમાં દશ ટકા જેટલો વધારો મેળવી શકાય છે. પશુઓને ચોખ્ખું પાણી ચોવીસ કલાક એટલેકે જ્યારે જોઈએ ત્યારે મળી રહે તેવી ગોઠવણ દરેક પશુપાલકે રાખવી જોઈએ. આપણને ગમે ત્યારે પાણીની તરસ લાગે છે તેવી જ રીતે પશુઓને પણ પાણી પીવું પડે છે. જેથી ગાય અથવા ભેંસને સવાર બપોર સાંજ જ્યારે તરસ લાગે ત્યારે પૂરતું ચોખ્ખું પાણી મળવું જોઈએ. પરદેશમાં તો ગમાણમાં ઘાસ તથા ખાણદાણ અને પાણીની સ્વયં સંચાલિત નળની સાથેનો તબેલો જોવા મળે છે. આપણે ત્યાં શક્ય હોય તો ચોવીસ કલાક પાણી મળી રહે તે માટે નાનો પાણીનો હવાડો રાખવો જરૂરી છે.
ગામમાં પાણીની ટાંકી પાસે પાણીનો હવાડો પશુઓ માટે બાંધવામાં આવે છે. વળી ગૌશાળા વિભાગ રાખતી સંસ્થાઓ તેમની ગાયો માટે ખાસ પાણીનો હવાડો બનાવી રાખે છે. હવાડો દર માસે અંદરથી ચૂનો લગાડીને ધોળી દેવો. જેથી લીલ થાય નહીં અને હવાડો સાફ રહે. પશુઓ ખોરાક વગર લાંબા સમય સુધી ટકી શકે છે પરંતુ પાણી વગર રહી શકતા નથી. પશુઓને સતત દસ દિવસ સુધી બિલકુલ પાણી ન મળે તો તેનું મરણ થઈ શકે છે. એક અભ્યાસ મુજબ જાણવા મળેલ છે કે ખૂબ ઠંડીમાં હુંફાળું પાણી અને ખૂબ ગરમીમાં(ઉનાળામાં) ઠંડુ પાણી પશુઓને આપવામાં આવે તો દૂધ ઉત્પાદન વધુ મળેલ છે.
ઉનાળામાં પશુઓ સામાન્ય કરતાં ૮૦ ટકા પાણી વધારે પીવે છે. જેથી ઉનાળામાં વધુ પાણી ઉપલબ્ધ થાય તે જરૂરી છે. વધારે પ્રોટીનવાળું દાણ દૂધાળ ગાયને આપવામાં આવે તો પાણીનો વપરાશ વધી જાય છે. સાયલેજને બદલે મૂળિયાં આપવામાં આવે તો પશુઓ પાણી વધુ પીવે છે. ફક્ત સૂકો ચારો મળતો હોય ત્યારે પણ પાણી વધારે જોઈએ છે. સામાન્ય રીતે ગાયને તેના કદ, વજન અને ખોરાક તેમજ હવામાન મુજબ શિયાળામાં ઓછામાં ઓછું ૧૫ થી ૨૫ લિટર અને ઉનાળામાં વધુમાં વધુ ૫૦ થી ૬૦ લિટર પાણીની જરૂરિયાત રહે છે.
પાણીની જરૂરિયાત પ્રતિ દિન (લિટરમાં)
પશુઓ |
શિયાળો | ઉનાળો |
નાના વાછરડા/વાછરડી | ૫-૧૦ | ૧૦-૨૦ |
મોટા વાછરડા/વાછરડી | ૧૫-૨૦ | ૩૦-૪૦ |
વસુકેલી ગાય | ૩૦-૩૫ | ૫૦-૬૦ |
દૂઝણી ગાય | ૪૦-૫૦ | ૬૦-૬૫ |
આમ પશુપાલક મિત્રોને પશુઓ માટે જુદી જુદી જરૂરિયાત પ્રમાણે અગાઉ જણાવ્યું છે તે મુજબ જો શક્ય હોય તો ચોવીસ કલાક ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી વધુ ફાયદાકારક રહેશે.
સંદર્ભ
સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા- ભાગ: ૩
ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત