દૂધાળા પશુઓના બચ્ચાના રોગો અને તેના પ્રતિબંધક ઉપાયો
બચ્ચામાં થતા રોગોને વિવિધ તબ્બકામા જોવા જઈએ તો
- જન્મ પછીના ૪૮ કલાકમાં જોવા મળતા રોગો – અશક્તિ, ઠંડુ પડી જવું અને ખોડ-ખાંપણ.
- જન્મ પછીના પ્રથમ અઠવાડિયામાં થતા રોગો – ચેપી ઝાડાનો રોગ, સાંધાનો સોજો અને વિષાણુજન્ય ઝાડાનો રોગ
- જન્મ પછીના પ્રથમ મહિનામાં થતા રોગો – ચેપી ઝાડાનો રોગ, સાંધાનો સોજો, ડુંટો પાકવો, ખરવા-મોવાસા, ધાધરનો રોગ, ચામડીનું ખસ-ખરજવું, રક્ત પરોપજીવીઓના રોગ અને કૃમિજન્ય પરોપજીવીઓના રોગ.
પશુપાલકોને આ સમયગાળા દરમિયાન નિર્દેશ કરેલ રોગો અને તેના પ્રતિબંધક ઉપાયોની માહિતી આ લેખમાંથી મળી રેહશે.
જન્મ પછીના ૪૮ કલાકમાં જોવા મળતા રોગો
આ સમયગાળા દરમ્યાન બચ્ચાઓમા મરણ પ્રમાણ સવિશેષ જોવા મળે છે. મુખ્યત્વે ચેપીરોગો મહત્વનો ભાગ આ સમય દરમ્યાન ભજવે છે. ખાસ કરીને, માતા જો ગર્ભધારણ સમય દરમિયાન રોગીષ્ટ હોય તો તેના દ્વારા બચ્ચામાં રોગના જંતુઓ ફેલાય છે. આવા ચેપી તથા સંસર્ગિકરોગોના પ્રતિબંધ માટે પુખ્ત જાનવરની યોગ્ય માવજત, સારવાર તથા રસીકરણ કરાવવું હિતાવહ છે.
બચ્ચાઓમા મુખ્યત્વે આ સમય દરમિયાન અપૂરતા પોષણથી થતી અશક્તિ, ઠંડુ પડી જવું, જન્મજાત ખોડ તથા ચેપી ઝાડા નો રોગ જોવા મળે છે.
અશક્તિ
બચ્ચાઓમાં વિયાણ પછી માતા (ગાય-ભેંસ)ની ધવડાવવાની નિષ્કાળજી, બચ્ચાની આંચળ ચૂસવાની અનઆવડત, નાના કે મોટા આંચળ તેમજ પશુપાલકોની ઉપરોક્ત બાબત પ્રત્યેની અજાગરૂકતા કારણરૂપ છે. બચ્ચાઓને આ સમય દરમિયાન વિશેષ કાળજી તથા આંચળ ચુસવાના યોગ્ય પ્રયત્નથી ઉપરોક્ત અશક્તિ નિવારી શકાય છે.
ઠંડુ પડી જવું
બાહ્ય ઠંડું વાતાવરણ, અપૂરતા પોષણ તથા બચ્ચા તરફની નિષ્ક્રિયતાથી જન્મેલા બચ્ચાઓ ઘણીવાર ઠંડા પડી જતા હોય છે. આ અટકાવવામાં બચ્ચાઓને વિયાણ પછીના શરૂઆતના છ કલાકમાં માતાનું પ્રથમ દૂધ (ખીરું) પીવડાવવું ખુબ જ જરૂરી છે. બચ્ચાઓને બહાર ખુલ્લામાં ન રાખતા ઠંડો પવન ના આવે તેવી જગ્યામાં રાખવું જોઈએ. શણના કોથળા કે ધાબળા જેવી વસ્તુઓ દ્વારા શરીર ને ઢાંકવું જોઈએ.
ખોડ-ખાંપણ
ઘણા બચ્ચાઓમા જન્મજાત ખોડ- ખાંપણ કે તાળવામાં કાણું, અંધત્વ, જડબાનું ખેંચાઈ જવું, નાના કે મોટા માથાવાળું બચ્ચું જન્મવું, બે માથા કે વધુ પડતા પગવાળું વિચિત્ર બચ્ચું જન્મવું કે બચ્ચુ વળેલા પગ વાળુ જન્મવું વગેરે જોવા મળે છે. આવી ખોડ- ખાંપણ જન્મજાત, વારસાગત, વિષાણુંઓ દ્વારા કે ગાભણ ગાય-ભેંસ દ્વારા ગર્ભાવસ્થા દરમ્યાન ઝેરી વનસ્પતિઓ કે રસાયણો ખાવામાં આવતા જોવા મળે છે. ઉપરોક્ત બાબતોથી ગાભણ પશુઓને દુર રાખવા હિતાવહ છે.
જન્મ પછીના પ્રથમ અઠવાડિયામાં થતા રોગો
માતા દ્વારા ત્યજાયેલા કે તરછોડાયેલા બચ્ચાઓ, અનાથ બચ્ચાઓ, આંચળ ચૂસવાની અનઆવડત, આંચળ નાના કે મોટા હોવાથી કે બચ્ચોઓના જન્મબાદ યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખીરું ન મળવાથી આવા બચ્ચાઓમા સંસર્ગિક તેમજ ચેપી રોગો થવાની શક્યતા વધુ જોવા મળે છે. ખીરૂમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે. જે જન્મબાદ બચ્ચાઓને ન મળવાથી ચેપી ઝાડાનો રોગ, સાંધાનો સોજો તેમજ વિષાણુંજન્ય ઝાડાના રોગો થવાની શક્યતાઓ છે.
ઉપરોક્ત રોગોને અટકાવવા જન્મેલા બચ્ચાઓને બને તો શરૂઆતના ૬ કલાકમાં જ નહીતર ૪૮ કલાક સુધી તો માતાનું પ્રથમ દૂધ (ખીરું) મળી રહે તેવો આગ્રહ રાખવો. બચ્ચુ જો જાતે ન પી શકે તો શીશી દ્વારા પીવડાવવું. માતા જો મરણ પામે તો અન્ય વિયાણવાળી ગાય કે ભેંસનું ખીરું બચ્ચાના વજનના ૧૦ ટકા, પ્રમાણમાં પીવડાવવાથી ઉપરોક્ત રોગો સામે બચ્ચામાં રોગપ્રતિકારક શક્તિ વધે છે.
જન્મબાદ પ્રથમ મહિનામાં થતા રોગો
પુરતુ ખીરૂ ન મળનાર બચ્ચાઓ જન્મજાત રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી માંદા રહે છે. વાતાવરણમાં થતા ફેરફાર કે ચેપીરોગોના ફેલાવા દરમ્યાન આવા બચ્ચાઓ પ્રથમ બીમાર પડતા જોવા મળે છે. બચ્ચાઓમાં ઝાડા તથા શરદી- ન્યુમોનિયા જેવા રોગો સવિશેષ જોવા મળે છે. યોગ્ય માવજત, યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખીરું પીવડાવવું તથા બચ્ચાઓને પ્રતિકુળ વાતાવરણ સામે રક્ષણ આપવાથી બચ્ચાઓમાં મરણ પ્રમાણ ઘટાડી શકાય છે. આ સમયગાળામાં નીચે જણાવેલ રોગો આપણા દેશમાં જોવા મળે છે.
ચેપી ઝાડાનો રોગ
બચ્ચાઓમા ચેપી ઝાડા ઈ. કોલાઇ જેવા જીવાણું થી થાય છે. જો આ જીવાણુઓ રક્તમાં તેમના વિશ્દ્રવ્યોને ફેલાવતા આ રોગ વધુ વકરે છે. બચ્ચાઓ લીલાશ પડતા પીળા કે સફેદ રંગના ઝાડા કરે છે. શરીરમાંથી ઝાડા વાટે પ્રવાહી નીકળી જતા બચ્ચાઓ અશક્ત, દુબળા અને કમજોર બની જાય છે. અન્ય પરોપજીવીઓ જેવા કે કોક્સીડીઓસીસ સાથે ચેપી ઝાડા વધુ મરણ પ્રમાણ નોતરે છે.
આ રોગના પ્રતિબંધક ઉપાયોમાં બચ્ચાઓને સ્વચ્છ વાતારણમાં રાખવા, આંચળની સ્વચ્છતા, બચ્ચાઓમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનોની સાફ સફાઈ આ રોગના જંતુઓ અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. નજીકના પશુચિકિત્સકનો સંપર્ક તથા સલાહ દ્વારા વિયાણ પછી બચ્ચાઓમાં થતા ચેપી ઝાડા નો રોગ અટકાવી શકાય છે.
સાંધાનો સોજો
ઈ.કોલાઇ જેવા જંતુઓના વિશ્દ્રવ્યો રક્ત દ્વારા બચ્ચાઓના સાંધામાં જવાથી ઘૂંટણ કે થાપાના સાંધામાં સોજો જોવા મળે છે. બચ્ચાઓમાં પગ સુજી જાય છે. બચ્ચુ ચાલી શકતું નથી. આંખ લાલાશ પડતી દેખાય છે. સ્વચ્છ વાતાવરણ અને યોગ્ય માવજત દ્વારા તેમજ બચ્ચાઓમાં થતી શારીરિક ઈજાઓ અટકાવવાથી સાંધાનો સોજો અટકાવી શકાય છે.
ડુંટો પાકવો
બચ્ચાઓમા આ રોગ અચૂક જોવા મળે છે. વિયાણ સમયે ઓર કાપવામાં બેદરકારી કે ઉપયોગ લેવામાં આવેલા દુષિત ચપ્પુ કે બ્લેડ જેવા સાધનો અને બચ્ચાને રાખવામાં આવતી અસ્વચ્છ જગ્યા મુખ્ય કારણરૂપ છે. જંતુઓ આ કપાયેલા ભાગમાં ફેલાવાથી ડુંટો પાકે છે. અને ગુમડા જેવું થઇ જાય છે.
વિયાણ સમયે ડુંટો/ઓરને સ્વચ્છ ચપ્પુ કે બ્લેડ દ્વારા કાપવો જોઈએ. શક્ય હોય તો સ્પીરીટ, આલ્કોહોલ, જેવી ચેપનાશક દવાઓ ડુંતાના ભાગ આગળ લાગી કે ગરમ પાણીથી ધોઈ, સાફ કરી કટાયેલ ન હોય તેવા સાધનથી ડુંટો કાપવો કટાયેલ સાધનથી ધનુર જેવા રોગો પણ થઈ શકે છે.
ખરવા-મોવાસા
ખરવા-મોવાસાના રોગચાળા દરમ્યાન બચ્ચાઓમાં પણ મોઢા, હોઠ અને જીભ પર ફોલ્લા જેવા ભાગ ઉપસી જઈ ચાંદા પડે છે. બચ્ચાઓ ચીકણી લાળ મોઢા દ્વારા પાડે છે. પગની ખરીઓ ચાટવાથી તેમાં ચાંદા પડે છે. આવા ચાંદાઓમાં માખીઓ દ્વારા ઈંડા મુકવાથી જખ્મમાં કીડાઓ પડી જાય છે. જખ્મમાં પડેલા કીડાઓને ટરપેન્ટાઇન તેલનું પૂમડું રાખી ખરીઓમાંથી દુર કરવા તેમજ સ્વચ્છ પાણી થી જખ્મ સાફ કરી સ્વચ્છ કપડું કે પાટો બાંધીને નજીકના પશુચિકિત્સકનો સંપર્ક સાધવો. મોમાં પડેલ ચાંદાને ફટકડી મિશ્રિત પાણીથી ધોયા બાદ હળદળ અને ઘીની લુગદી બનાવી મલમ રૂપે ચાંદા ઉપર લગાડવી. પુખ્ત પશુઓને સમયાંતરે ખરવા-મોવાસાની રસી મુકાવવી તથા બચ્ચા છ મહિનાના થાય ત્યારે ખારવા-મોવાસાની રસી મુકાવવાથી આ રોગ અટકાવી શકાય છે.
ધાધરનો રોગ
ફૂગજન્ય રોગોમાં બચ્ચાઓમાં ધાધરનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ રોગ સાંસર્ગિક ચેપી છે, ખાસ કરીને ગંદકી, અપૂરતો સૂર્યપ્રકાશવાળી જગ્યામાં બચ્ચાને બાંધવાથી, ભેજવાળું વાતાવરણ, રોગીષ્ઠ પશુને બાંધવામાં આવેલ દોરડાનો બચ્ચામાં ઉપયોગ કરવાથી આ ફૂગ બચ્ચાઓમાં મોઢા, કાન કે ગળાના ભાગની ચામડીના વાળ ઉપર થાય છે, વાળ ખરી પડે છે અને સફેદ છારી જેવા ગોળ ચાઠા પડે છે. આ રોગ મનુષ્યમાં પણ ફેલાય છે, માટે સવિશેષ કાળજી લેવી જરૂરી છે. બચ્ચાને કડવા લીમડાનાં પાંદડા ઉકાળી ઠંડા કરેલ પાણીથી નવડાવવું તથા પશુચિકિત્સક દ્વારા સારવાર કરાવવી.
ચામડીનું ખાસ-ખરજવું
જુ, ઈતરડી, કથીરીઓ જેવા બાહ્ય પરોપજીવી કીટાણુઓ દ્વારા બચ્ચાઓમાં ચામડીના વાળ ખરી જવા, ચામડી રુક્ષ તથા જાડી થઈ જવી, ચીકણો પાણી જેવો પદાર્થ નીકળવો વગેરે જોવા મળે છે. રહેઠાણની સ્વચ્છતામાં, પૂરતો હવા-ઉજાસ, યોગ્ય જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ નજીકના પશુચિકિત્સકનો સંપર્ક આવા રોગને અટકાવવા અગત્યનો બને છે. પ્રાથમિક સારવારમાં ઉપર જણાવ્યા પ્રમાણે કડવા લીમડાના પાંદડાથી બચ્ચાને નવડાવવાથી તથા કરંજ તેલની ખસવાળા ભાગમાં લેપ કરવાથી રાહત મળે છે.
રક્તપરોપજીવીના રોગો
ચકરી, થાઈલેરીઓસીસ તથા બેબેસીઓસીસ નામના મેલેરિયા પ્રકારના જંતુઓ, જુ, કથીરીઓ, ઈતરડીઓ દ્વારા બીમાર પશુઓમાંથી બચ્ચાઓમાં ફેલાઈને થાય છે. આ રોગોમાં બચ્ચા અશક્ત થઈ જાય છે અને તાવના લક્ષણો જોવા મળે છે. આંખો લાલ થઈ જવી, કથ્થાઈ રંગનો પેશાબ કરવો વગેરે ચિન્હો જોવા મળે છે. નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરી યોગ્ય સારવાર કરાવવી. પશુ રહેઠાણમાં સ્વચ્છતા રાખવાથી તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી આવા રોગો અટકાવી શકાય છે.
કૃમિજન્ય રોગો
મોટો ગોળ કૃમિ એ ભારત જેવા દેશોમાં મુખ્યત્વે જોવા મળતો રોગ છે. બચ્ચાઓમાં આ રોગ દશ દિવસથી છ માસ સુધીની ઉંમર સુધી જોવા મળે છે. આ રોગ માતાના ધાવણ મારફતે ફેલાતો હોઈ, માતાને ગર્ભાવસ્થામાં કૃમિનાશક દવા સમયાંતરે આપવી હિતાવહ છે. બચ્ચાઓમાં જન્મબાદ બીજા અઠવાડિયામાં તેના વજનને અનુલક્ષીને પશુચિકિત્સકની સલાહ અનુસાર કૃમિનાશક દવા આપવી જોઈએ.
સંદર્ભ
સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા
ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત