વાગોળતાં પ્રાણીઓના ચર્તુ-આમાશીય જઠરની વિશેષતા વિષે
પાચનતંત્ર એક લાંબી નળી જેવું હોય છે, જેની સાથે બીજા અનેક અવયવો જોડાયેલા છે. પાચનતંત્રની શરૂઆત મુખથી થાય છે, જેમાં સહાયક ગ્રંથિઓ તરીકે દાંત, જીભ અને લાળગ્રંથિઓ આવેલી હોય છે. ત્યારબાદ અન્નનળીની શરૂઆત થાય છે જે આગળ વધી છાતીના ભાગમાથી પસાર થઈ ઉદરપટલ પસાર કરી જઠર સાથે જોડાય છે. ઉદરપટલ છાતીના અવયવો અને પેટના અવયવોને જુદા પાડે છે. વાગોળતા પ્રાણીઓનું જઠર ચાર ભાગમાં વહેચાયેલું હોય છે.
પહેલુ આમાશય (રૂમેન)
સૌપ્રથમ રૂમેન હોય છે, જે સૌથી મોટુ આમાશય છે તે બીજા આમાશય(રેટીક્યુલમ) સાથે બીજું આમાશય ત્રીજા આમાશય(એબોમેઝમ) સાથે અને ત્રીજું આમાશય ચોથા આમાશય(ઓમેઝમ) સાથે જોડાયેલા હોય છે. આ દરેક આમાશયના કાર્ય અલગ અલગ હોય છે. વાગોળતા પ્રાણીઓમાં ચારો ખાધા પછી સીધો પ્રથમ આમાશયમાં આવે છે, જે ઉદરની ડાબી બાજુએ આવેલું હોય છે અને તેમાં ખોરાકનો સંગ્રહ થાય છે. નિરાંતના સમયમા પશુ વાગોળવાની ક્રિયા કરે છે તથા તેમાં લાળ ભળે છે. આથી ખોરાકમાં રહેલા સેલ્યુલોઝ જેવા તત્વો સહેલાઇથી પાચન થવા માટે સક્ષમ બને છે.
આમાશયની ગરમી, અંદર રહેલુ પ્રવાહી અને નિરોગી જીવાણુની હાજરીમા સેલ્યુલોઝ જેવા તત્વોમા આથો પેદા થાય છે, તે સુપાચ્ય બને છે અને તેનું અંતઃશોષણ થઈ શકે તે રીતે રૂપાંતર થાય છે. ત્યારબાદ ખોરાક બીજા આમાશય(રેટીક્યુલમ)માં જાય છે.
બીજુ આમાશય(રેટીક્યુલમ)
આ આમાશયની અંદરની અંતરત્વચામાં મધપૂડા જેવી રચના હોય છે. કોઈ જાતનો સ્ત્રાવ અહી થતો નથી અને મોટેભાગે પ્રવાહી ખોરાક અહી આવે છે, જેને બીજા આમાશયમાં મોકલે છે અને વાગોળવા માટે ઘટ્ટ ખોરાકને પરત અન્નનળીમાં મોકલવાનું નિયમન કરે છે. મધપૂડા આકારની અંતરત્વચાને લીધે ભૂલથી ખોરાકમાં લેવાઈ ગયેલા પત્થર, તાર, ખીલી વગેરે નુકશાનકારી પદાર્થો આ આમાશયમા ભરાઈ જાય છે. ત્યારબાદ ખોરાક ત્રીજા આમાશયમા આવે છે.
ત્રીજુ આમાશય(ઓમેઝમ) અને ચોથુ આમાશય (ઓમેઝમ)
ત્રીજુ આમાશય(ઓમેઝમ) ગોળાકાર હોય છે, તેની અંતરત્વચા ઉપરાઉપર ઘડી વાળેલા પાનની માફક ગોઠવાયેલી હોય છે. જેમાં ખોરાકના નાના કણ પિસાય છે અને પૂરેપૂરો પિસાયેલો ખોરાક ચોથા આમાશયમા જાય છે. વાગોળતા પશુઓમાં ચોથું આમાશય(એબોમેઝમ) પાચનક્રિયાની દ્રષ્ટિએ ખાસ આમાશય છે કેમ કે આમાશયની અંતરત્વચામાં સ્ત્રાવિક ગ્રંથિઓ આવેલી હોય છે તથા પાચકરસો અહીં પેદા થાય છે. આમાં મુખ્યત્વે જઠરનો તેજાબ, ઉત્પ્રેરક દ્રવ્યો અને ચીકણો પ્રવાહી આવેલ હોય છે. જે ખોરાકનાં પાચનમાં મદદ કરે છે.
સંદર્ભ
સંકલિત કૃષિ વિકાસ ખેડૂત માર્ગદર્શિકા
ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત